ACB, શહેરી વિકાસ વિભાગ, તકેદારી પંચ,મુખ્ય મંત્રીની કચેરી,વિજીલન્સ વિભાગ સઘન તપાસ કરીને વડોદરાનાં સોગઠીયાનાં કરતૂતો બહાર પાડશે ?.રાણાજી તો સરકારને પણ ગાંઠતા નથી. સરકારની પૂર્વ મંજૂરી વગર,નિવૃત્તિ પછી 2-3 વર્ષ સુધી જીતેશ ત્રિવેદીને નોકરીએ રાખ્યા

વડોદરાના મ્યુનિસીપલ કમિશનરના રાજમાં કોઇ પણ લાયકાત વગરના કે અનુભવ વગરના અધિકારીઓની ભરતી તો થાય જ છે પણ જો રાણાજી ઇચ્છે તો તેઓ સરકારની પૂર્વ મંજૂરી વગર જ કોઇ નિવૃત્ત અધિકારીની,નિમણુંક અને ફેર નિમણુંક પણ કરી શકે છે. કમિશનર પોતાને રાજ્ય સરકારથી પણ ઉપર સમજે છે તેનો ઉત્તમ નમુનો બહાર આવ્યો છે જેમાં કોર્પોરેશનના જ નિવૃત્ત ટીડીઓને તેમણે સરકારની મંજૂરી વગર જ 2 વર્ષ સુધી કોર્પોરેશનમાં નોકરી આપી હતી. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે વારંવાર આ અધિકારીને તાત્કાલિક અસરથી દુર કરવા માટે પત્ર લખેલા છે પણ કમિશનર પોતે જ સરકાર હોય તેમ શહેરી વિકાસ મંત્રાલયને પણ ઘોળીને પી ગયા હતા. આના પરથી પુરવાર થાય છે કે રાણાજીના રાજમાં કોઇને પણ ગોઠવાવું હોય કે વહાલા દવલાની નીતિથી કોઇ પણ ભરતી કે નિમણુક મેળવવી હોય તો તે ગોઠવણ સાથે શક્ય છે. માત્ર રાણાજીનો હાથ તમારી ઉપર હોય તો પછી રાજ્ય સરકારની ચિંતા બિલકુલ કરવાની રહેતી જ નથી.
રાણાજીના રાજમાં ટીડીઓ તરીકે જીતેશ ત્રિવેદી 31 ઓગસ્ટ 2022 ના રોજ વય નિવૃત્તિ થયા હતા. હવે નિયમો મુજબ જો કોઇ નિવૃત્ત અધિકારીની ફેર નિમણુક કરવી હોય તો કોર્પોરેશને ફરજિયાત રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી પડે છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ આ નિર્ણય વિશે જાહેરમાં જણાવેલું છે અને સરકારની મંજૂરી વગર કોઇ નિવૃત્ત અધિકારીની ફેર નિમણુક કરી શકાતી નથી. છતા રાણાજીએ સરકારને ગાંઠ્યા વગર જ જીતેશ ત્રિવેદીની 2 વર્ષ સુધી કોર્પોરેશનમાં નિયુક્તી કરી દીધી હતી. રાજ્ય સરકારે વારંવાર કમિશનરને આ બાબતની જાણકારી કરી નિમણૂક રદ કરવા બાબતે જણાવ્યું હતું. પરંતુ મનમાની કરીને સાથે કામ કરનાર રાણાજીએ ગાંધીનગરથી થયેલા હુકમને નજર અંદાજ કર્યો હતો. મારુ સરકાર કંઈ બગાડી નહીં લે તેવી શેખી મારનારા કમિશનર કરાર આધારિત નિયુક્તી માટે સીધા જ જવાબદાર છે કારણ કે નિવૃત્તિ પછી તમામ પ્રકારની નિમણૂક, ફેર નિમણૂક, માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવાની અત્યંત આવશ્યક હોય છે પણ વડોદરા કોર્પોરેશનમાં તો કમિશનર અને ટીડીઓની સીધી સાંઠગાંઠ હતી. કમિશનર આ નિમણૂક માટે સીધે સીધા જવાબદાર છે. કયા કયા નેતા ની ભલામણ પછી આ વિવાદિત અધિકારીને પરત લેવામાં આવ્યા તેની પણ તપાસ થવી જરુરી છે. અત્યારે ડે. કમિશનર કેતન જોશી, કમિશનર અને અગાઉ ડેપ્યુટી કમિશનર તરીકે અર્પિત સાગર તેમના બોસ હતા. પરંતુ પૂર્વ ટીડીઓ પર તેમનું મોનિટરીંગ રહ્યું ન હતું.કરોડોનો વહીવટ તારું મારું સહિયારાથી ચાલતો હતો. જીતેશ ત્રિવેદી કોર્પોરેશનમાં ટીડીઓ તો હતા જ પણ સાથે લેન્ડ એસ્ટેટ વિભાગના એચઓડી પણ હતા તો સાથે ઈન્ચાર્જ ડે.કમિશનર પણ હતા.એક સમયે પાલિકામાં એક સાથે તે ત્રણ-ત્રણ હોદ્દા ભોગવતા હતા અને રાણાજીના પ્રતાપે તેમને કોઇને પણ પૂછ્યા વગર ત્રણ હોદ્દા હોવાના કારણે એક જ ફાઇલમાં ત્રણ સહીઓ કરવાની રહેતી હતી. જે રીતે સરકારના નિયમોનો ભંગ કરીને રાણાજીએ જીતેશ ત્રિવેદીને 2 વર્ષ સુધી ચલાવ્યા તેને જોતાં હવે આ 2 વર્ષમાં બિલ્ડરો અને આર્કિટેક્ટ દ્વારા હાઇરાઇઝ પ્રોજેક્ટ અને લો રાઇઝ બિલ્ડીંગો સહિતની જે પણ મંજૂરીની ફાઇલ મુકાઇ હતી અને તેમાં જીતેશ ત્રિવેદીએ સહી કરીને મંજૂરી આપી હતી તે તમામ મંજૂરીઓ રદ થવી જોઇએ.
જાગૃત નાગરીકે ફરિયાદ પણ કરી હતી....
કમિશનરે સરકારના જ આદેશને ઘોળીને પી જઇને એક નિવૃત્ત અધિકારીની ફેર નિમણુક કરી તે અંગે એક જાગૃત નાગરીકે મુખ્યમંત્રી, શહેરી વિકાસ વિભાગમાં પણ આ બાબતે ફરિયાદ કરી હતી. શહેર વિકાસ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં હાલ તપાસ પણ ચાલુ છે. પૂર્વ મંજૂરી વગરની નિમણુકની ફરિયાદ ACB ને પણ કરવામાં આવી હતી અને ત્યાં પણ હાલ તપાસ ચાલુ છે.

રાણાજીના બંગલે તથા કેમ્પ ઓફિસમાં વડોદરાના સોરઠીયા જીતેશ ત્રિવેદીની વારંવાર ખાનગી મુલાકાતો થતી...
સરકારની મંજૂરી વગર જ કોર્પોરેશનમાં કામ કરનારા જીતેશ ત્રિવેદીના હાથે અપાયેલી રજા ચિઠ્ઠીઓ, એનઓસી , સ્પેશયલ પ્રોજેક્ટ સહિતની તમામ એનઓસી તાત્કાલિક અસરથી રદ કરવી જોઇએ અને જીતેશ ત્રિવેદી અને કમિશનર સામે હવે આકરા પગલાં સરકારે લેવા અત્યંત જરુરી છે કારણ કે સરકારને પણ ના ગાંઠનારા આ અધિકારીને પણ સરકારની સત્તાની ખબર પડી જવી જોઇએ. રાણાજીના બંગલે તથા કેમ્પ ઓફિસમાં વડોદરાના સોરઠીયા જીતેશ ત્રિવેદીની વારંવાર ખાનગી મુલાકાતો થતી હતી. બિલ્ડરો, આર્કિટેક્ટ, દલાલો અને વચેટીયા સાથે મોટી રકમના વહિવટો થતા હતા. આટલું મોટુ કૌંભાડ આચરનારા કમિશનર તથા ડે.કમિશનર તથા પૂર્વ ટીડીઓ પાસેથી અત્યાર સુધી મળેલા પગાર વ્યાજ સહિત વસુલવા તથા ત્રણ વર્ષ સુધી કોર્પોરેશનના વાહનોનો ઉપયોગ કરી ડિઝલ,અન્ય સુવિધાઓનો ઉપયોગ કર્યો છે તે પણ વસુલવો જોઇએ. તેઓ અન્ય વિભાગની ગાડીઓનો પણ ઉપયોગ કરતા હતા. વડોદરાનો સોરઠીયા કેટલા બિલ્ડરના બે નંબરના કામો મળે તે માટે વારંવાર ખાનગી ઓફિસોમાં જતો હતો. અને બદામડી બાગ પાછળ આવેલી આર્કિટેક્ટ કચેરીમાં પણ મુલાકાતો થતી હતી. જૂના પાદરા રોડ ઉપરની જાણીતી સોસાયટીમાં આવેલી ખાનગી કચેરીમાં પાલિકાની ફાઇલો, પાલિકાના અગત્યના દસ્તાવેજો પોતાની ખાનગી કચેરીમાં તથા પોતાના ઘેર રાખતા આવેલા છે. પૂર્વ ટીડીઓ પોતાના કાર્યાલયમાં ફાઇલો લઇ જતા હતા.
જીતેશ ત્રિવેદીનો પીએ 1.50 લાખની લાંચ લેતા પકડાયો હતો...
2 વર્ષ પહેલા ટીડીઓ જીતેશ ત્રિવેદીનો પીએ યોગેશ પરમાર 1.50 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. યોગેશે કિશનવાડી રોડ પર સાંઇ ડ્રીમ એપાર્ટમેન્ટ નામની બાંધકામ સ્કીમને સીલ કરી કાર્યવાહી કરવા માટે જીતેશે માંગેલી 2 લાખના પેકેજ પૈકી 1.50 લાખની રકમ નક્કી થઇ હતી તે લેવા દિવાળીના દિવસે જતા યોગેશ પરમાર એસીબીના હાથે 1.50 લાખ રોકડ તથા દિવાળીની ગીફ્ટો લેતા પકડાયો હતો. જો કે આ કેસમાં જીતેશ ત્રિવેદી અને અન્ય સહઆરોપીઓની પોતાની વગના જોરે ધરપકડ થઇ ન હતી અને ફરિયાદી પક્ષે તેમના વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ કરતા તપાસ હજુ બાકી છે અને અન્ય આરોપીઓની સંડોવણી હોવાની પણ શંકા છે.
તમામ ફાઇલોની ફેર તપાસ આવશ્યક...
વડોદરા શહેરમાં ચાલતા સ્પેશીયલ પ્રોજેક્ટ, આવાસ યોજના, હાઇરાઇઝ ટાવર, હોટલ અને કોમર્શિયલને જેટલી પણ મંજૂરી આપવામાં આવી છે તેની ફેર તપાસણી થવી હવે આવશ્યક છે કારણ કે જીતેશ ત્રિવેદી એક વાર તો પંકાઇ ગયેલા છે. હાલ ફરજ બજાવતા ડે.ટીડીઓ અને ટીડીઓએ પણ મદદગારી સાથે પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીની સાથે મોટો વહીવટ કરેલો છે. તમામ ફાઇલોની ફેર તપાસ કરવી જોઇએ
રોજ કરોડોનો વેપલો આ ટોળકી કરતી...
અમારી જાણ મુજબ નિવૃત્તી પછી આશરે 200 કરોડનો સહિયારો વેપલો છે એવી ચર્ચા છે. બાંધકામ પરવાનગી શાખાની ટોળકી અને તમામ ડેપ્યુટી ટીડીઓ, ટીડીઓની મદદગારી અને સંડોવણી બહાર આવે તો નવાઇ નહી. તમામ અધિકારીઓ એકબીજાના સતત સંપર્કમાં છે અને કોલ રેકોર્ડીંગ પણ ચકાસવી જોઇએ કારણ કે રોજ કરોડોનો વેપલો આ ટોળકી કરતી રહી છે. જાણવા મળ્યા મુજબ કેટલીક ફાઇલો તો ઇરાદાપૂર્વક રેકોર્ડ રુમમાંથી ગાયબ કરી દેવાઇ છે અને હવે તો સ્વતંત્ર તપાસ મુકાશે તો ચોંકાવનારી માહિતીઓ બહાર આવી શકે તેમ છે. વિશ્વામિત્રી નદી ઉપર આવેલા વિવાદીત પ્રોજેક્ટો ઉપર પણ તપાસ થવી જરૂરી છે કારણ કે તેમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે ધ્યાનાકર્ષક છે.
જીતેશ ત્રિવેદીની કુંડળી...
જીતેશ ત્રિવેદી 31-8-2022 ના રોજ નિવૃત થયા હતા. તેઓ 23-4-1991 ના રોજ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ બન્યા હતા અને 2-7-2002માં તેમને પ્રમોશન આપીને નાયક કાર્યપાલક એન્જિનિયર બનાવાયા હતા. 11-2-2011 ના રોજ તેમને ફરી પ્રમોશન આપી કાર્યપાલક ઈજનેર બનાવાયા હતા. તેઓ રાજકીય વગના કારણે, રોડ પ્રોજેક્ટ, ટાઉન પ્લાનિંગ, એફોર્ડેબલ હાઉસિંગ, બ્રિજ પ્રોજેક્ટ, એચ ઓ ડી, સિક્યુરિટી, દબાણ, જમીન મિલકત, સેન્ટર સ્ટોર, તરીકે અગાઉ ફરજ બજાવતા હતા. નિવૃત્તિ પહેલા ના દસ વરસ તેઓ ટીડીઓ બાંધકામ પરવાનગી શાખામાં શાખામાં ફરજ બજાવતા હતા. તેઓ ઇન્ચાર્જ ડે. કમિશનર અને HOD, લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગ તરીકે પણ ફરજ બજાવતા હતા.
શહેરી વિકાસ વિભાગનો પરિપત્ર શું કહે છે.
નિવૃત્તી પછી સરકારના નિયમો અને મંજૂરી મુજબ જ ફેર નિમણુક કરી શકાય છે. શહેરી વિકાસ મંત્રાલયનો આરઇએમ 102019 1861368 ગ-2 પરિપત્ર મુજબ જે પણ ઠરાવો કરાયા છે તેમાં સ્પષ્ટ લખેલું છે કે નિવૃત્ત કર્મચારી કે અધિકારીની થયેલી નિમણુકો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે અને તેની જાણ સામાન્ય વહિવટ વિભાગને કરવાની રહેશે. જો નિવૃત્ત કર્મચારી કે અધિકારીની નિમણુક આપવાની થાય તો નિયત થયેલ ચેનલ ઓફ સબમિશન મુજબ સરકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે અને સરકારના તમામ વિભાગો, કોર્પોરેશન અને સંસ્થાઓએ આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કે રાણાજીએ સરકારની આ સૂચનાઓને ગણકાર્યા વગર જીતેશની નિમણુક કરતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લીધી ન હતી.
શહેરી વિકાસ વિભાગે પણ પત્ર લખી જીતેશની સેવાનો અંત લાવવા અને તેની જાણ આ વિભાગને કરવી.
વિકાસ મંત્રાલયે વખતો વખત કમિશનરને પત્ર લખીને જીતેશ ત્રિવેદીને તાત્કાલિક અસરથી દુર કરવા જણાવેલું છે પણ કમિશનર તો શહેરી વિકાસ મંત્રાલયને ગાંઠતા જ નથી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્શન અધિકારીએ કમિશનરને જે પત્ર લખ્યો છે તેમાં લખાલેયું છે કે જીતેશ રમણલાલ ત્રિવેદી નિવૃત્ત થયેલ છે અને આપની મહાનગરપાલિકાની સામાન્ય સભાના ઠરાવ મુજબ ત્રિવેદીને 11 માસ માટે કરાર આધારીત નિમણુક કરવા માટે કમિશનરને અધિકૃત કરવાનું ઠરાવામાં આવ્યું છે . પત્રમાં આગળ લખેલું છે કે જો ત્રિવેદીને સામાન્ય સભાના ઠરાવ મુજબ કરાર આધારીત નિમણુક અપાઇ હોય તો સામાન્ય વહિવટ વિભાગના ઠરાવની વિગતો ધ્યાનમાં લઇને આ અધિકારીની સેવાનો અંત લાવવા અને તેની જાણ આ વિભાગને કરવી.
Reporter: