વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સયાજી હોટલ તરફના જમણી તરફના ભાગ પર કોઇ કામગીરી જ કરાઇ નથી... કેપ

વડોદરાની જનતાને ઉલ્લુ બનાવવા માટે 1200 કરોડના ખર્ચે શરુ કરાયેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીના માત્ર એક જ કિનારે કામગીરી કરાઇ છે. પણ સામેના કિનારા પર જાણી જોઇને કામગીરી કરાઇ નથી તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 95 ટકા કામ થયું હોવાનો કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ દાવો કરે છે પણ તેમણે જોવું જોઇએ કે વિશ્વામિત્રીના એક કિનારે તો હજુ કામ થયું જ નથી. વિશ્વામિત્રીના પટ પર ગેરકાયદેસર દબાણ કરીને તાણી દેવાયેલી સયાજી હોટલના કિનારે તમે આંટો મારજો તો ખબર પડશે કે કોઇ કામગીરી ત્યાં થઇ જ નથી. નિયમ મુજબ નદીના કિનારાથી 30 મીટર સુધી બાંધકામ કરી શકાતું નથી પણ સયાજી હોટલવાળાએ કોર્પોરેશનનાં અધિકારીને ખિસ્સામાં મુકીને ગેરકાયદેસર બાંધકામ કરી દીધું છે. કોઇની તાકાત નથી કે આ ગેરકાયદેસર દબાણને તોડી શકે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સયાજી હોટલ તરફના જમણી તરફના ભાગ પર કોઇ કામગીરી જ કરાઇ નથી કારણ કે જો કામગીરી કરાય તો સયાજી હોટલનું ગેરકાયદેસર દબાણ તોડવું જ પડે એટલે આ તરફની કામગીરી જાણી જોઇને કરાઇ નથી.
વડોદરાની જનતાનું જે થવાનું હોય તે થાય પણ સયાજી હોટલને નુકશાન ના થવું જોઇએ તેવું કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓએ નક્કી જ કરી લીધું છે અને તેથી સયાજી હોટલ તરફના ભાગ પર કોઇ જ કામગીરી કરાઇ નથી. આવા તો વિશ્વામિત્રી કામગીરી દરમિયાન પટ પર અસંખ્ય દબાણો છે જેમા હોટલ, અને હાઇરાઇઝ બિલ્ડીંગો અને મોલ છે અને ત્યાં પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કરાઇ નથી કારણ કે આ હોટલ અને બંગલા તથા બિલ્ડીંગો માલેતુજારોની છે અને માલેતુજારોનો કોલર પકડવાની તાકાત કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓમાં નથી. એટલે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે તેવી ભલે ગુલબાંગો પોકારવામાં આવે પણ જ્યાં જ્યાં માલેતુજારોનું ગેરકાયદેસર દબાણ છે તે વિસ્તારોમાં તો વિશ્વામિત્રી પ્રોજેક્ટનું રતીભર પણ કામ થયું નથી એટલે વડોદરાવાસીઓએ સમજી લેવું જોઇએ કે કોર્પોરેશનના પાપે ચોમાસે પણ તમારે પૂરનો પ્રકોપ ઝીલવાનો છે.
Reporter: admin