News Portal...

Breaking News :

દેશમાં ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકના 10 અને 20 રૂપિયાના નોટ, RBI કરશે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત

2026-07-17 16:16:21
દેશમાં ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકના 10 અને 20 રૂપિયાના નોટ, RBI કરશે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત

દેશમાં ચલણ વ્યવસ્થામાં મોટો અને આધુનિક બદલાવ લાવવાની દિશામાં ભારતીય રિઝર્વ બેંક (RBI) મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ RBI ટૂંક સમયમાં પોલિમર (પ્લાસ્ટિક) બેંક નોટો માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીમાં છે. આ માટે વૈશ્વિક સ્તરે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.


પ્રારંભિક તબક્કામાં 10 રૂપિયા અને 20 રૂપિયાના પોલિમર નોટોનું પરીક્ષણ કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ સફળ રહે તો વર્ષ 2027થી દેશભરમાં તબક્કાવાર પ્લાસ્ટિકના નોટોનું વ્યાપક ચલણ શરૂ થઈ શકે છે. ત્યારબાદ અન્ય મૂલ્યવર્ગના નોટો પણ પોલિમર સામગ્રીમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

RBIના આ નવા નોટોમાં અદ્યતન સુરક્ષા સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે, જેના કારણે નકલી નોટો બનાવવી વધુ મુશ્કેલ બનશે. ઉપરાંત, પોલિમર નોટો સામાન્ય કાગળના નોટોની તુલનાએ વધુ મજબૂત અને ટકાઉ હોય છે. તે સરળતાથી ફાટતા નથી અને લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકે છે, જેના કારણે ચલણ છાપવાનો ખર્ચ પણ ઘટી શકે છે.

પ્લાસ્ટિકના નોટો શરૂ થવાના સમાચાર વચ્ચે ઘણા લોકોમાં હાલના કાગળના નોટોને લઈને પ્રશ્નો ઊભા થયા છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ પોલિમર નોટો આવવાથી હાલના કાગળના નોટો બંધ કરવામાં આવશે નહીં. બંને પ્રકારના નોટો એકસાથે ચલણમાં રહેશે અને હાલના નોટો કાયદેસર ચલણ તરીકે માન્ય રહેશે.
RBIનો આ પ્રયોગ સફળ રહે તો ભારત પણ ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે સહિતના અનેક દેશોની જેમ પોલિમર કરન્સી અપનાવનાર દેશોમાં સામેલ થઈ શકે છે.

Reporter: admin

Related Post