ચેક બાઉન્સના કેસોમાં બોલીવૂડ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમની સામે નોંધાયેલા તમામ સાત ચેક બાઉન્સ કેસોમાં નીચલી અદાલત દ્વારા ફટકારવામાં આવેલી સજાને યથાવત રાખી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે સમાધાનના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા બાદ આ નિર્ણય આપ્યો હતો.
અદાલતે રાજપાલ યાદવને તમામ સાત કેસમાં ત્રણ-ત્રણ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. જોકે તમામ સજા એકસાથે ભોગવવાની હોવાથી તેમને કુલ ત્રણ મહિનાની જ સજા ભોગવવી પડશે. સાથે જ દરેક કેસમાં ₹1.05 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રમાણે સાતેય કેસમાં કુલ ₹7.35 કરોડનો દંડ ભરવાનો રહેશે. જેમાં દરેક કેસમાં ₹1.04 કરોડ ફરિયાદીને અને ₹25 હજાર રાજ્ય સરકારને ચૂકવવાના રહેશે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજપાલ યાદવના બદલાતા વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે નોંધ્યું હતું કે તેમને બાકી રકમ ચૂકવવા માટે અનેક તકો આપવામાં આવી હતી, પરંતુ તેમણે આપેલા વચનોનું પાલન કર્યું નથી. કોર્ટે તેમના વલણને શંકાસ્પદ ગણાવ્યું હતું.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ફરિયાદી પક્ષે ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ તરીકે ₹6 કરોડ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ રાજપાલ યાદવે આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. તેમણે દલીલ કરી હતી કે તેમને પહેલેથી જ ભારે આર્થિક નુકસાન થયું છે, સંપત્તિ વેચવી પડી છે અને તેઓ અગાઉ પણ મોટી રકમ ચૂકવી ચૂક્યા છે.
કોર્ટે નિર્ધારિત સમયમર્યાદામાં ₹3 કરોડના હપ્તાવાર ચુકવણીનો સૂચન પણ કર્યો હતો, પરંતુ બંને પક્ષો વચ્ચે અંતે કોઈ સમાધાન થઈ શક્યું ન હતું. જેના પગલે દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવની સજા યથાવત રાખવાનો અંતિમ નિર્ણય આપ્યો છે.
Reporter: admin







