News Portal...

Breaking News :

પંજાબના ખેડૂતોનું દિલ્હી કૂચ: શંભૂ અને ખનૌરી બોર્ડર સીલ, ધારા-163 લાગુ

2026-07-21 13:17:14
પંજાબના ખેડૂતોનું દિલ્હી કૂચ: શંભૂ અને ખનૌરી બોર્ડર સીલ, ધારા-163 લાગુ

ચંદીગઢ: ભારત-અમેરિકા પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA)ના વિરોધમાં પંજાબના ખેડૂતો દ્વારા દિલ્હી કૂચનું આહ્વાન કરવામાં આવ્યું છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરના નેતૃત્વ હેઠળ ‘દેશ બચાવો મોરચા’ અંતર્ગત ખેડૂતો શંભૂ અને ખનૌરી બોર્ડર પર એકત્ર થયા હતા.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હરિયાણા પ્રશાસને શંભૂ બોર્ડરને સંપૂર્ણ રીતે સીલ કરી દીધો છે. આ ઉપરાંત અંબાલા જિલ્લા પ્રશાસને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-163 લાગુ કરી છે. આ આદેશ હેઠળ પાંચ કે તેથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જે 27 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે.

ખેડૂત સંગઠનોનું કહેવું છે કે ભારત અને અમેરિકા વચ્ચે થનારા વેપાર કરારથી કૃષિ ક્ષેત્રને નુકસાન થઈ શકે છે. ખેડૂતોને આશંકા છે કે અમેરિકાથી સસ્તા સોયાબીન, ડ્રાયફ્રૂટ્સ, ડેરી ઉત્પાદનો અને અનાજની આયાત વધવાથી નાના ખેડૂતો, મજૂરો અને સ્થાનિક વેપારીઓ પર અસર પડશે.
દિલ્હી કૂચ પહેલા ખેડૂતોએ ‘કિસાન ઘાટ’ ખાતે ચાર કલાકની વિશાળ રેલી યોજી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતો શંભૂ અને ખનૌરી બોર્ડર તરફ આગળ વધ્યા હતા.
શંભૂ અને ખનૌરી બોર્ડર પર હરિયાણા પોલીસે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. કંક્રીટના બેરિકેડ, ટ્રક અને ટ્રેલર ઉભા કરીને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. દિલ્હી-કટરા એક્સપ્રેસવે પર પણ વાહન વ્યવહાર રોકવામાં આવ્યો છે.

બોર્ડર બંધ થવાના કારણે દિલ્હી અને પંજાબ વચ્ચે જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. પ્રશાસને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
હાલમાં બોર્ડર વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ શાંતિપૂર્ણ છે. પોલીસ અને અર્ધસૈનિક દળો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જ્યારે ખેડૂત સંગઠનો આગામી નિર્ણય માટે પોતાના નેતાઓના નિર્દેશની રાહ જોઈ રહ્યા છે.

Reporter: admin

Related Post