News Portal...

Breaking News :

મોડે મોડે આત્મજ્ઞાન લાધ્યું.વિરોધ બાદ નિર્ણય બદલાયો !!

2026-09-03 12:41:04
મોડે મોડે આત્મજ્ઞાન લાધ્યું.વિરોધ બાદ નિર્ણય બદલાયો !!

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા પંચશીલ મેદાન પર મ્યુનિસિપલ કોર્પોરેશનનો વ્હીકલ પૂલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ટીપી સ્કીમ નંબર 19ના પ્લોટ નંબર 297 પર જાહેર ઉપયોગ માટેના મેદાનને વાહનોના પૂલ માટે ઉપયોગમાં લેવાની યોજના તૈયાર કરવામાં આવી હતી અને ટેન્ડર પણ ફ્લોટ થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ મામલો જાહેર થતાં જ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો કે, બાળકો અને યુવાનો માટે ઉપયોગી જાહેર મેદાન પર આખરે મ્યુનિ. વ્હીકલ પૂલ બનાવવાની જરૂર શા માટે પડી?

સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ આખો મામલો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યો હતો. અંતે કમિશનરે પંચશીલ મેદાન પર વ્હીકલ પૂલ નહીં બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ દરખાસ્ત તૈયાર કરનારા અને પ્લોટની પસંદગીમાં ભૂલ કરનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી છે.

પંચશીલ મેદાનની આસપાસના રસ્તાઓ અંદાજે 10થી 15 ફૂટ જેટલા સાંકડા હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે. આવા રસ્તાઓમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા વાહનોની સતત અવરજવર શરૂ થાય તો ટ્રાફિકની સમસ્યા કેટલી ગંભીર બની શકે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી. સ્થાનિકોનો સૌથી મોટો ભય અકસ્માતને લઈને હતો. આ વિસ્તારમાં પહેલેથી જ વાહનોની અવરજવર અને સાંકડા રસ્તાના કારણે અકસ્માતની શક્યતા રહેતી હોવાનો દાવો નાગરિકો કરી રહ્યા છે.

હવે જો ભારે વાહનોની અવરજવર વધારવામાં આવે તો શાળાએ જતા નાના બાળકોની સુરક્ષાનું શું? સવારે અને બપોરે શાળાના સમયમાં બાળકો રસ્તાઓ પર અવરજવર કરતા હોય છે. કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ સવાલ સાથે સ્થાનિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની દરખાસ્ત સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો.

પંચશીલ મેદાન આસપાસના બાળકો અને યુવાનો માટે રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓનું મહત્વપૂર્ણ સ્થળ છે. રહેણાંક વિસ્તારમાં આવેલા આ મેદાનનો લાંબા સમયથી જાહેર ઉપયોગ થતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આસપાસનો વિસ્તાર પણ શાંત રહેણાંક વિસ્તાર હોવાથી અહીં સતત ભારે વાહનોની અવરજવર શરૂ કરવાના નિર્ણય સામે લોકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.

સંગઠન, ધારાસભ્ય અને કોર્પોરેટરો પણ અજાણ હોવાનો દાવો

મામલો એટલો ગંભીર બન્યો કે સ્થાનિક નાગરિકોએ પોતાના વિસ્તારના ધારાસભ્ય અને અન્ય જનપ્રતિનિધિઓનું પણ ધ્યાન દોર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સંગઠન અને કેટલાક કોર્પોરેટરો પણ આ પ્રકારની દરખાસ્ત અંગે અજાણ હોવાનો દાવો કરી રહ્યા હતા. એક નાગરિકે સીધું મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું.

કમિશનરે સ્વીકારી પ્લોટની પસંદગીમાં ભૂલ

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે શહેરમાં ચાર વ્હીકલ પૂલ બનાવવાનો પ્લાન હતો. જોકે, પ્લોટની પસંદગીમાં ભૂલ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સ્થાનિકોના અનેક ફોન આવ્યા બાદ તેમણે સંબંધિત અધિકારીઓની પણ વાત સાંભળી હતી.

કમિશનરે સ્પષ્ટ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું કે શાળાના પરિસર અને બાળકોની અવરજવરવાળા વિસ્તારમાં વ્હીકલ પૂલ બનાવવામાં નહીં આવે. પંચશીલ મેદાન માટેનું ટેન્ડર રદ કરવામાં આવશે અને અન્ય યોગ્ય પ્લોટ પર વ્હીકલ પૂલ બનાવવામાં આવશે.
કમિશનરે એવી પણ ખાતરી આપી હતી કે શાળાની બાજુમાં વ્હીકલ પૂલ નહીં આવે. સાથે જ આવી દરખાસ્ત લાવનારા અને પ્લોટની પસંદગી માટે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

Reporter: admin

Related Post