વિઠ્ઠલનાથજી ભગવાનને પલનામાં ઝુલાવી રાજભોગ આરતી કરાઈ, ભક્તિમય માહોલમાં ભક્તોએ લીધા દર્શન
પુરુષોત્તમ માસ દરમિયાન વૈષ્ણવ હવેલી મંદિરોમાં વિવિધ મનોરથો યોજાશે, ધર્માચાર્યોએ પાઠ-જપ અને દાનનું મહત્વ સમજાવ્યું
જેઠ પુરુષોત્તમ અધિક માસની શુક્લ પ્રતિપદાના પ્રથમ દિવસે શહેરના શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વિશેષ પલના મનોરથ યોજાયો હતો. આ પ્રસંગે વિઠ્ઠલનાથજી ભગવાનને સુંદર રીતે સજાવેલા પલનામાં ઝુલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વૈષ્ણવ પરંપરા મુજબ રાજભોગ આરતી ઉતારી ભક્તોને દર્શનનો લાભ અપાયો હતો.મંદિરમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પુરુષોત્તમ માસના મહિમાનું શ્રવણ કર્યું હતું.
મંદિરમાં ભક્તિમય કીર્તન અને પાઠના કાર્યક્રમો પણ યોજાયા હતા. વૈષ્ણવ હવેલી પરંપરા મુજબ સમગ્ર અધિક માસ દરમિયાન ઠાકોરજીના સુખાથે વિવિધ મનોરથો અને વિશેષ સેવાઓનું આયોજન કરવામાં આવશે.ધર્માચાર્યોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ માસને અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ માસ દરમિયાન ભક્તોએ પુરુષોત્તમ સહસ્ત્રનામ અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ, અષ્ટાક્ષર મંત્રના જપ, પુરુષોત્તમ યાગ, પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન અને સહાય કરવી જોઈએ. આવા સાત્વિક કાર્યો દ્વારા ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થઈ ભક્તોને અનેકગણું પુણ્યફળ પ્રદાન કરે છે.
Reporter: admin







