News Portal...

Breaking News :

વાદ્ય વિભાગ દ્વારા વાદ્ય સંગીતમાં રિયાઝ અને ઉપજ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન

2025-02-07 13:17:47
વાદ્ય વિભાગ દ્વારા વાદ્ય સંગીતમાં રિયાઝ અને ઉપજ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન


વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક (સિતાર - વાયોલિન) વિભાગ તા. ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ફેકલ્ટિ ના ગાયન વાદન સભા ખંડ ખાતે “વાદ્ય સંગીતમાં રિયાઝ અને ઉપજ” વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ કાર્યશાળાના મુખ્ય તજજ્ઞ તરીકે પ્રખ્યાત વાયોલિનવાદક ઉસ્તાદ અસઘર હુસૈન ઉપસ્થિત રહ્યા.ઉસ્તાદ અસઘર હુસૈન જન્મથી સંગીતપ્રેમી પરિવારમાં પેદા થયા છે. તેઓ ટોપ ગ્રેડના કલાકાર છે, જેમણે પોતાના પિતા ઉસ્તાદ અનવર હુસૈન પાસેથી પ્રારંભિક તાલીમ મેળવી હતી. તેમની વાયોલિન તાલીમ ઉસ્તાદ ગૌહર અલી ખાન, વાયોલિન વિદ્વાન ઉસ્તાદ ઝહૂર અહમદ ખાન અને દિલ્લી ઘરાનાના ખલીફા ઉસ્તાદ ઇકબાલ અહમદ ખાન જેવા પ્રખ્યાત ગુરુઓની હેઠળ પૂર્ણ થઈ. તેમનું વાદન ગાયકી અને તંત્રકારી અંગનો અનન્ય સંયોજન છે. તેમની તાન, ખટકા, ગમક, મીંડ, લયકારી અને રાગોની પવિત્રતા સંગીતપ્રેમીઓ માટે મંત્રમુગ્ધ કરનાર છે.ઉસ્તાદ અસઘર હુસૈન ભારત અને વિદેશમાં અનેક પ્રતિષ્ઠિત સંગીતોત્સવોમાં પોતાનું સુરેલ પ્રસ્તુતિ આપી ચૂક્યા છે, જેમાં હરિવલ્લભ સંગીત સમ્મેલન (જલંધર), આકાશવાણી સંગીત સમ્મેલન (અમદાવાદ), સામાપા સંગીત સમ્મેલન (નવી દિલ્હી), ચક્રધર સંગીત સમારોહ (રાયગઢ), પ્રયાગ સંગીત સમિતિ (અલહાબાદ), હરિદાસ સંગીત સમ્મેલન (વૃંદાવન અને મુંબઈ), તથા દિલ્હી દરબાર સંગીત મહોત્સવ (નવી દિલ્હી) જેવા વિવિધ મહોત્સવોનો સમાવેશ થાય છે.


તેમણે ઇન્ડોનેશિયા, યુકે, યુએસએ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, હોલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને ગલ્ફ દેશોમાં પણ ભારતીય શાસ્ત્રીય સંગીતના માધ્યમથી લોકહૃદય જીતી લીધા છે.તેમને “દિલ્લી ઘરાના રત્ન સમ્માન”, “સંગીત ભૂષણ સમ્માન”, “સ્વામી હરિદાસ સંગીત કલા રત્ન સમ્માન”, “સંગીત શિરોમણિ સમ્માન”, “સ્વર મણી સમ્માન” સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.ઉસ્તાદ અસઘર હુસૈને 2019 અને 2023માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ તેમજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ પોતાનું પ્રસ્તુતિ આપી હતી. ડિસેમ્બર 2023માં, તેમણે ઓમાનના રાજા સુલતાન હૈથમ બિન તારીક માટે હૈદરાબાદ હાઉસ ખાતે સંગીત પ્રસ્તુતિ આપી, જ્યાં ભારતના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત હતા.આ વાદ્ય સંગીતની કાર્યશાળા કાર્યક્રમ માં ૭૦ જેટલા વાદ્ય સંગીતના વિદ્યાર્થીઓ, ચાહકો અને વિદ્વાનો હાજર રહ્યા. તેમણે વાદ્ય ની કાળજી વિદ્યાર્થીઓ એ કેમ કરવી તેમજ વાદ્ય પર તૈયારી વધારવા માટે શું અભ્યાસ કરવો તેમજ વિભિન્ન રાગો ના વાદન માં ગત, બંદિશ, આલાપ, જોડ, તાન વગેરે ની તાલીમ આપી હતી.

Reporter: admin

Related Post