ગાંધીનગર: રાજ્યમાં બાળમજૂરીના દૂષણને નાથવા માટે ગુજરાત પોલીસે ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ નામે વિશેષ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. અભિયાનના પ્રથમ 14 દિવસમાં જ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 84 બાળમજૂરોને મુક્ત કરાવવામાં સફળતા મળી છે. આ સાથે બાળમજૂરી કરાવનારા તત્ત્વો સામે 16 ગુના નોંધવામાં આવ્યા છે અને 26 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો અને બાળમજૂરીને મૂળમાંથી નાબૂદ કરવાનો છે. મુક્ત કરાયેલા બાળકોમાંથી 67 બાળકોનું પુનર્વસન પણ કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યભરમાં 160થી વધુ જાગૃતિ કાર્યક્રમો યોજીને લોકોને બાળમજૂરી વિરોધી કાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.અભિયાન દરમિયાન સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા એક ટેક્સટાઇલ કારખાનામાં દરોડા દરમિયાન બે સગીર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે બાળકો પાસેથી રોજ 11 કલાક સુધી કામ લેવાતું હતું અને બદલામાં માત્ર 200 રૂપિયાનું વેતન આપવામાં આવતું હતું. પોલીસે કારખાના સંચાલક સામે ગુનો નોંધી બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમના પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરી છે.
રાજ્ય પોલીસ વડા G. S. Malikએ જણાવ્યું કે આ અભિયાન માત્ર દરોડા પૂરતું સીમિત નથી, પરંતુ મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્ય સાથે જોડવાનો પ્રયાસ પણ છે.ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (મહિલા સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક Ajay Chaudharyએ જણાવ્યું કે બાળમજૂરીના મોટા ભાગના કિસ્સાઓ ટેક્સટાઇલ યુનિટ, હોટલ, રાઇસ મિલ અને નાના ઉદ્યોગોમાંથી સામે આવી રહ્યા છે. ઘણા બાળકો બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે, જેના કારણે બાળ તસ્કરીના એન્ગલથી પણ તપાસ ચાલી રહી છે.ગુજરાત પોલીસે આગામી સમયમાં રાજ્યભરના 50 હજારથી વધુ સ્થળોએ સઘન ચકાસણી હાથ ધરી 5 હજારથી વધુ બાળમજૂરોને મુક્ત કરાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સાથે જ બાળમજૂરી કરાવનારા નેટવર્ક, કોન્ટ્રાક્ટરો અને સપ્લાય ચેઇન સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Reporter: admin







