દિલ્હી : ભારતની સર્વોચ્ચ અદાલતે આજે બંધારણીય હોદ્દાઓની સત્તા અને જવાબદારીઓ અંગે અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે.
અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે ચાલી રહેલી તપાસના મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ તમામ ફરજો બજાવી શકતા હોય, તો રાજ્યસભાના અધ્યક્ષ (ચેરમેન) હાજર ન હોય ત્યારે ઉપાધ્યક્ષને તેમની સત્તાનો ઉપયોગ કરતા કોઈ રોકી શકે નહીં.જસ્ટિસ યશવંત વર્મા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. માર્ચ મહિનામાં તેમના નિવાસસ્થાનેથી બળેલી ચલણી નોટોના ઢગલા મળી આવ્યા બાદ તપાસ શરૂ થઈ હતી. રાજ્યસભાના તત્કાલીન અધ્યક્ષ જગદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી, ઉપાધ્યક્ષ હરિવંશે જસ્ટિસ વર્મા વિરુદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.
જસ્ટિસ વર્માના વકીલો મુકુલ રોહતગી અને સિદ્ધાર્થ લુથરાની દલીલ હતી કે, ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ મુજબ માત્ર 'અધ્યક્ષ' જ પ્રસ્તાવ સ્વીકારી કે નકારી શકે, 'ઉપાધ્યક્ષ' નહીં.જસ્ટિસ દીપાંકર દત્તા અને એસ.સી. શર્માની બેન્ચે આ દલીલને નકારી કાઢતા કહ્યું કે, "બંધારણ શૂન્યાવકાશમાં કામ કરતું નથી. જો ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ન્યાયાધીશોની નિમણૂકના વોરંટ પર સહી કરી શકતા હોય, તો ઉપાધ્યક્ષ મહાભિયોગ પ્રસ્તાવ પર નિર્ણય કેમ ન લઈ શકે? દેશે આગળ વધવું પડશે, કોઈ પણ પદ ખાલી હોવાથી પ્રક્રિયા અટકી શકે નહીં."સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સંસદના બંને ગૃહો વતી હાજર રહીને કોર્ટને જણાવ્યું હતું કે, જો ઉપાધ્યક્ષને આ સત્તા ન અપાય તો આખો કાયદો જ નિરર્થક બની જાય. જો કોઈ અધ્યક્ષ ન હોય, તો શું તપાસ સમિતિને સમય કોણ આપશે? આ અર્થઘટન કાયદાના ઉદ્દેશ્યને જ નિષ્ફળ બનાવશે.
Reporter: admin







