News Portal...

Breaking News :

નવા હોદ્દેદારોને અપાયા,નવા નક્કોર એર કન્ડિશનર?

2026-06-03 10:35:22
નવા હોદ્દેદારોને અપાયા,નવા નક્કોર એર કન્ડિશનર?

એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ વોર્મિંગ સામે લડવા, પર્યાવરણની રક્ષા કરવા અને વીજળીની બચત કરવા માટે દેશવાસીઓને સતત સંવેદનશીલ અપીલ કરી રહ્યા છે. પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોને પીએમની આ અપીલ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.ગત 28 મેના રોજ વડોદરા કોર્પોરેશનમાં મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સત્તા સંભાળતાની સાથે જ આ તમામ પદાધિકારીઓ સરકારી લાલબત્તી ધરાવતા વાહનોમાં વટભેર ફરવા લાગ્યા છે. હજી તો નિમણૂકને ગણતરીના દિવસો જ થયા છે, ત્યાં વડોદરા કોર્પોરેશનની કચેરીમાં આ પાંચેય હોદ્દેદારો માટે બ્રાન્ડ ન્યૂ એર કંડિશનર (એસી) આવી ગયા છે અને તેને ફિટ પણ કરી દેવામાં આવ્યા હોવાની ચર્ચા પાલિકાના સંકુલમાં છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હોદ્દેદારો આખો દિવસ ઓફિસમાં હાજર હોય કે ન હોય, તેમની ચેમ્બરમાં એસી સતત ચાલુ રાખવામાં આવે છે. આ સરકારી વૈભવના કારણે દર મહિને હજારો રૂપિયાનું વીજળી બિલ આવશે. સૌથી મોટો સવાલ એ છે કે આ ખર્ચ કોના પૈસે થઈ રહ્યો છે? તેનો જવાબ છે કે વડોદરાની સામાન્ય જનતાના પરસેવાના અને ટેક્સના પૈસે.શહેરીજનોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે નેતાઓ પક્ષના સર્વોચ્ચ નેતા અને પીએમ મોદીની વાતોની માત્ર જાહેરાતો કરે છે, પરંતુ જ્યારે પોતાના મોજશોખની વાત આવે છે ત્યારે જનતાના પૈસાનો બેફામ બગાડ કરવામાં જરાય અચકાતા નથી.

વડાપ્રધાન મોદી દેશને વૃક્ષો વાવવા, વીજળી બચાવવા અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની અપીલ કરે છે, જ્યારે વડોદરા કોર્પોરેશનના કેટલાક હોદ્દેદારો જાણે તેનો અર્થ “વધુ એસી લગાવો અને વધુ વીજળી વાપરો” એવો કાઢતા હોય તેમ લાગે છે. નિમણૂકના થોડા જ દિવસોમાં ચેમ્બરોમાં નવા નક્કોર એસી ગોઠવાઈ ગયા, પરંતુ શહેરના ખાડા, ગટરો, પાણીની સમસ્યા અને તૂટી પડતી સુવિધાઓ હજુ પણ એ જ હાલતમાં છે. જનતા ગરમીમાં પરસેવો પાડે અને નેતાઓ ઠંડકમાં નિર્ણય લે — આ કેવી જનસેવા? વધુ રસપ્રદ વાત એ છે કે આ ઠંડકનો ખર્ચ કોઈ વ્યક્તિગત ખિસ્સામાંથી નહીં, પરંતુ ટેક્સ ભરતા નાગરિકોના ખિસ્સામાંથી ઉઠાવાય છે. મંચ પરથી સાદગી, બચત અને પર્યાવરણના ઉપદેશો આપવાનું સરળ છે, પરંતુ સાચી કસોટી અમલમાં છે. જો પીએમની અપીલ માત્ર ભાષણો સુધી જ સીમિત રહે અને કચેરીઓમાં એસીનું સામ્રાજ્ય વધતું રહે, તો જનતાને પ્રશ્ન પૂછવાનો સંપૂર્ણ અધિકાર છે.

Reporter: admin

Related Post