નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2024 કેન્દ્ર મુજબ અને શહેર મુજબનું પરિણામ જાહેર કર્યું છે. પરિણામ exams.nta.ac.in/NEET અને neet.ntaonline.in ની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે NTAને આદેશ આપ્યો હતો કે NEET પરિણામ કેન્દ્ર મુજબ અને શહેર મુજબ જાહેર કરે. સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવા પણ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પેપર લીક માત્ર પટના અને હજારી બાગના કેન્દ્રો સુધી જ મર્યાદિત છે તેની ખાતરી કરવા માટે પરિણામોના સંપૂર્ણ ડેટાનું વિશ્લેષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
બેન્ચે કહ્યું હતું કે ઓળખ છુપાવવા માટે ડમી રોલ નંબર ફાળવી શકાય છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે NEET પેપર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપોના આધારે પરિણામ રદ કરવા અને પરીક્ષા નવેસરથી આયોજિત કરવા માટેની અરજીઓની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો.
કેન્દ્ર મુજબના ગુણમાં થોડી પારદર્શિતા લાવી શકાય
ચંદ્રચુડે જણાવ્યું હતું કે પરીક્ષા નવેસરથી આયોજિત કરવાનો કોઈપણ આદેશ એ નક્કર તારણ પર આધારિત હોવો જોઈએ કે સમગ્ર NEET પ્રક્રિયાની પવિત્રતાને અસર થઈ છે. સર્વોચ્ચ અદાલતે તેના આદેશમાં જણાવ્યું હતું કે અરજદારોએ રજૂઆત કરી છે કે તે યોગ્ય રહેશે કે NEET UG-2024 ના પરિણામો NTA વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવે જેથી ઉમેદવારો દ્વારા મેળવેલા કેન્દ્ર મુજબના ગુણમાં થોડી પારદર્શિતા લાવી શકાય.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર અને NTAના એ દાવાને પાયાવિહોણા ગણાવ્યો હતો કે NEET-UG, 2024નું પેપર લીક 5 મેના રોજ પરીક્ષા શરૂ થવાની માત્ર 45 મિનિટ પહેલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે સંપૂર્ણ રીતે કાલ્પનિક અને તથ્યોથી દૂર લાગે છે.
Reporter: admin