બિલ્ડર અને ડેવલપર સામે કડક કાર્યવાહીની કરીને ટાઉન પ્લાનિંગ અને રેરાની પરવાનગી ચકાસવાની માગ...
શહેરના છાણી કેનાલ પાસે આવેલા સત્વ પ્રાઈમની બાજૂમાં નવી સાઇટમાં ચાલી રહેલા ખોદકામને કારણે સત્વ પ્રાઇમ અને સેફ્રોન બ્લિસ ફ્લેટની કપાઉન્ડ વોલ તૂટી પડતાં 2 ટાવરના અંદાજે 200 લોકોને તેઓના ઘર છોડીને તાત્કાલિક નિકળી જવું પડ્યું હતું. આ ઘટનાના 72 કલાક પછી પણ સ્થાનિક રહિશો હજું પણ પોતાના ઘેર જઇ શક્યા નથી. તેમને મંગળવારે પણ ઘરની બહાર રહેવું પડ્યું હતું. હજું પણ જવાબદાર બિલ્ડર કે કોર્પોરેશન દ્વારા કોઇ જ કામગિરી ના કરાઇ હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. છાણી વિસ્તારમાં રવિવારે એક મોટી હોનારત ઘટના રહી રહી ગઈ હતી.છાણી કેનાલ રોડ પાસે આવેલા સત્વ પ્રાઈમની બાજૂમાં જ છેલ્લા 1 મહિનાથી વસંતતારા સાઈટનું બાંધકામ ચાલી રહ્યું હતું. સત્વ પ્રાઈમમા કુલ 8 ટાવરો છે અને દરેક ટાવર 5 માળના છે. સાઈટના પાયા ખોદાતા સત્વ પ્રાઈમના 3 ટાવરમાં અવાર-નવાર ધ્રુજારીઓ થતી હતી. જેથી લોકોએ સાઈટનું કામ બંધ કરવા માટે રજૂઆત પણ કરી હતી. જોકે બાંધકામ બંધ થયું નહોતું.રવિવારે પણ સાઈટના કામકાજ વેળા ફ્લેટની કંપાઉન્ડ વોલ ધસી સાઈટના ખાડામાં ધરાશાઈ થઈ ગઈ હતી.ધડાકાભેર અવાજ આવતા ફ્લેટના રહીશો તાત્કાલિક બહાર આવી ગયા હતા. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટાવરને કોર્ડન કરીને કામગીરી હાથ ધરી હતી. સુરક્ષાના ભાગ રૂપે સામેની સોસાયટીના લોકોને પણ તેઓના મકાન પણ ખાલી કરાવ્યા હતા. ખોદકામની અસરના કારણે જાનહાનિ ના સર્જાય તે માટે સત્વ પ્રાઇમ અને સેફ્રોન બ્લિસના 4 ટાવરને ખાલી કરાવાયા હતા અને અંદાજે 200થી વધુ લોકોને કલબ હાઉસ અને પાર્કીંગમાં રહી રાત ગુજારવી પડી હતી. જ્યારે દિવાલ ધરાશાયી થઇ ત્યારે ભૂકંપ આવ્યો હોવાના ડરથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોએ ઉગ્ર રોષ ઠાલવીને બિલ્ડર અને ડેવલપર સામે કડક કાર્યવાહીની માગ કરીને ટાઉન પ્લાનિંગ અને રેરાની પરવાનગી ચકાસવાની માગ કરી હતી.

બાંધકામ પરવાનગી શાખા હજુ પણ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ...
છાણીમાં બનેલી આ ઘટનાએ કોર્પોરેશનના બાંધકામ પરવાનગી વિભાગની ઘોર બેદરકારી છતી કરી છે. જ્યારે પણ કોઇ નવી બિલ્ડીંગ બની રહી હોય અને તેને રજા ચિઠ્ઠી આપવામાં આવે ત્યારે બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરે રજા ચિઠ્ઠી આપતી વખતે તે સ્થળની વિઝીટ કરવાની હોય છે અને જરુરી સૂચનાઓ આપી નિયમોનું પાલન કરાવવાનું હોય છે. ત્યાર પછી પણ જ્યારે બિલ્ડીંગનું કામ ચાલુ હોય ત્યારે પણ બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરે અવાર નવાર સાઇટ પર જઇને નિયમો મુજબ બાંધકામ કરાઇ રહ્યું છે કે કેમ તેનું વેરીફીકેશન કરવાનું હોય છે. નવું બંધાતું બિલ્ડીંગને તે બિલ્ડર આજુબાજુના સ્ટ્રકચરને નુકશાન તો નથી કરતોને તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. બિલ્ડર બિલ્ડીંગને કઇ રીતે નિર્માણ કરે છે અને નકશા પ્રમાણે કામ થાય છે કે કેમ તેની પણ ચકાસણી કરવાની હોય છે અને આ કામમાં જે તે વોર્ડના બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરથી માંડીને ડે.ટીડીઓ સુધીના અધિકારીઓની જવાબદારી છે. આમ છતાં શહેરમાં અનેક સ્થળે એવી બિલ્ડીંગો બની રહી છે જે નિયમો મુજબ જ નથી અને બાંધકામ પરવાનગી વિભાગમાં થતાં ભ્રષ્ટાચાર મુજબ જ નવી બિલ્ડીંગોમાં કામ થતું નથી અને કોઇ જ અધિકારી સમયાંતરે સાઇટ વિઝીટ કરવા જતો નથી.

20 ફૂટનો ઢાળ આપવાના બદલે સીધેસીધુ ખોદકામ કર્યું
આ ઘટનામાં બિલ્ડર અને તેના કોન્ટ્રાક્ટરોની ભયંકર નિષ્કાળજી બહાર આવી છે કારણ કે તેણે 3 મીટરની જે જગ્યા છોડવી જોઇએ તે છોડી ન હતી પણ બેઝમેન્ટ બનાવવા માટે 20 ફૂટનો ઢાળ આપવાના બદવે સીધે સીધુ ખોદકામ શરુ કરી દીધું હતું અને તેની સીધી અસર નજીકને અડીને આવેલા બિલ્ડીંગને થઇ હતી. કોર્પોરેશનના બાંધકામ ખાતાના અધિકારીઓ જો વખતોવખત સાઇટ વિઝીટ કરતા હોત તો આજે 200 લોકોને પોતાનું ઘર છોડવાની નોબત ના આવી હોત
કોર્પોરેશન કે બિલ્ડર ફરક્યા જ નથી
ઘટનાના ત્રણ દિવસ પછી પણ આજે મંગળવારે કોર્પોરેશન કે બિલ્ડર દ્વારા કોઇ જ કાર્યવાહી થઇ શકી નથી કે કોઇ અહીં આવ્યું પણ નથી અને આજે પણ 2 ટાવરના 40 પરિવારોના 200થી વધુ લોકોને બહાર જ રહેવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો ક્લબ હાઉસમાં તો કેટલાક હોટલમાં તો કેટલાક સગાઓને ત્યાં રહેવા ગયા છે પણ આ મામલાનો કોઇ ઉકેલ આવ્યો નથી.

Reporter: admin