જોધપુર: રાજસ્થાનના ફલોદી જિલ્લાના મતોડા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર રવિવારે મોડી સાંજે એક અકસ્માત થયો હતો.
જોધપુરના સૂરસાગરના કેટલાક રહેવાસી બિકાનેર સ્થિત કોલાયત મંદિરમાં દર્શન કરી ટેમ્પો ટ્રાવેલરમાં પાછા ફરી રહ્યા હતા. હનુમાન સાગર ચાર રસ્તા પાસે તિવ્ર ગતિએ ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભા રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ૧૫થી વધુ લોકોનાં મોત નીપજ્યાં જ્યારે અન્ય ૧૫થી ૧૬ લોકો ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ઓસિયાં હોસ્પિટલ ખસેડાયા હતા.ફલોદીના પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ કુંદન કંવરિયાએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો અંગે પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું, અકસ્માતમાં ૧૫થી વધુ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. ઈજાગ્રસ્તોને ઓસિયાં હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યાંથી ગ્રીન કોરિડોર બનાવી જોધપુર રેફર કરાયા હતા.
અકસ્માત પછી ઘટનાસ્થળ પર ભારે રોકકળ અને હોબાળો મચી ગયો હતો. અકસ્માત સમયે ટેમ્પો ટ્રાવેલરની ગતિ ખૂબ જ તિવ્ર હતી.ફલોદીના ડીએસપી અચલસિંહ દેવડાએ કહ્યું કે, ટેમ્પો ટ્રાવેલર અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પો ટ્રાવેલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અનેક શબ ટેમ્પો ટ્રાવેલરની સીટો અને લોખંડના પાઈપો વચ્ચે અત્યંત ખરાબ રીતે ફસાઈ ગયા હતા. આ મૃતદેહોને બહાર કાઢવામાં પોલીસ અને સ્થાનિક લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.ફલોદી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું, બધા જ મૃતકો અને ઈજાગ્રસ્તો સૂરસાગર ક્ષેત્રના રહેવાસી હતા. તેઓ પરિવાર સહિત કોલાયત મંદિરમાં દર્શન કરી પાછા ફરી રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શરમાએ સોશિયલ મીડિયા એક્સ પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
Reporter: admin







