નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવથી વ્યાપક વૈશ્વિક સંઘર્ષની ભય સર્જાયો છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે પરમાણુ શસ્ત્ર ધરાવતા રાષ્ટ્રો વચ્ચે તણાવ વધતા તેના વિનાશકારી પરિણામો આવી શકે.
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનને સંડોવતા તાજેતરના મિસાઈલ હુમલાએ વૈશ્વિક ચિંતા વધારી છે. એક નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં પરમાણુ શસ્ત્રોનો વ્યાપક ઉપયોગ થાય તો માનવીય અસ્તિત્વ વિશે ચિંતાજનક સવાલો ઉપસ્થિત કરાયા છે. નિષ્ણાંતોના મતે પરમાણુ યુદ્ધથી અબજો લોકોના મોત થઈ શકે અને તેના વિનાશમાંથી વિશ્વના માત્ર બે જ દેશો, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ બચી શકે. જો કે તેમણે પણ અનેક પડકારોનો સામનો કરવો પડે.
કરોડો ડીગ્રી સેલ્સિયસના અગનગોળાથી વાતાવરણમાં ધૂમાડા અને રાખથી પૃથ્વી પર અંધકાર છવાઈ જશે
નેચર સામયિકમાં અગ્રણીઓએ કરેલા અવલોકન અનુસાર મોટા પાયે પરમાણુ યુદ્ધથી વિશ્વભરમાં લગભગ પાંચ અબજ જેટલા લોકોના મોત થઈ શકે. પરમાણુ શસ્ત્રોમાંથી થતા સ્ફોટથી લગભગ ૧૦ કરોડ ડીગ્રી સેલ્સિયસના તાપમાન સુધી પહોંચતા અગનગોળા સર્જાઈ શકે. વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે શહેરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નાશ સાથે વાતાવરણમાં પ્રવેશતા વિશાળ પ્રમાણમાં ધૂમાડા અને રાખથી પરમાણુ શિયાળો સર્જાઈ શકે, જેનાથી સમગ્ર પૃથ્વી વર્ષોના અંધકાર અને અભૂતપૂર્વ નીચા વૈશ્વિક તાપમાનમાં ગરકાવ થઈ જશે.સંશોધકોએ જણાવ્યું છે કે પરમાણુ યુદ્ધના પરિણામમાંથી માત્ર બે દેશો, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ સરખામણીએ બહેતર રીતે બચી શકે. તેમની ભૌગોલિક અલગતા અને કૃષિ બચાવી શકવાની ક્ષમતાને કારણે તેઓ પરમાણુ શિયાળાની સૌથી ખરાબ અસરોથી બચી શકે. જો કે આ દેશોએ પણ રેડિયેશન જોખમો, ઓઝોન સ્તરમાં નુકસાન અને ગંભીર ખોરાક તંગી સહિતના તીવ્ર પડકારોનો સામનો કરવો પડશે.
Reporter: admin







