રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય, તે દિશામાં જિલ્લા વહીવટીતંત્ર કાર્ય કરી રહ્યું છે.
હા, અહીં આપણે વાત કરીએ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ ચાંદાવાડા ગામની..! દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે સેવા બજાવી વર્ષ ૨૦૧૪ માં નિવૃત થયેલા હાલ ૭૦ વર્ષીય માનસિંહ ડામોર કે જેમણે છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અને ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે વાવેતર અને ઉત્પાદન કરી મબલખ કમાણી મેળવી છે. પ્રથમ તો તેઓએ ફૂલોની ખેતી શરૂ કરી હતી. તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી વિશે ઓનલાઇન જાણકારી મળી હતી જેથી મને પણ થયું કે રાસાયણિક કરતાં જો આ ખેતી કરીએ તો તમામ પ્રકારે ફાયદો જ છે પછી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી એમ માનસિંહ ડામોર જણાવતાં ઉમેરે છે કે, દેશી બિયારણ અને પ્રાકૃતિક ખેતી વડે તેઓ હાલ દાડમ, ગલકા, દૂધી, તુરીયા, ગવાર, કેળ, સરગવો, રીંગણ, મરચા, હળદર, બીટ, પપૈયા, સફેદ હળદર, રતાળું, ગરાડું, ૨ જાતના સફરજન, ૩ જાતના જામફળ, ૩ જાતના લીંબુ, અળવી, શેરડી, ભીંડા, ચોળી જેવાં અનેકવિધ શાકભાજી તેમજ ફળો નો પાક તેઓ પોતાની એક એકર જમીનમાં લઈ વાર્ષિક ૩ થી ૩ લાખને ૫૦ હજાર સુધીની આવક મેળવે છે. તેઓ પોતાના ખેતરમાં જીવામૃત, બીજામૃત, આચ્છદન, વાપસા અને મિશ્ર ખેતી એમ પ્રાકૃતિક ખેતીના પાંચ પ્રકારનો ઉપયોગ તેઓ કરે છે. માનસિંહ ડામોરે સૌ પ્રથમ આત્મા દ્વારા યોજાયેલ કૃષિ વિષયક તાલીમમાં ભાગ લઈ પ્રાકૃતિક ખેતી વિશેની પ્રાથમિક જાણકારી મેળવી હતી. દાહોદ ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ૧ મહિનો ઓર્ગેનિક ખેતીનો કોર્સ કર્યા બાદ તેઓએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ અચંબિત થયા હતા અને પોતે પણ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવશે તેના માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.માનસિંહ ડામોરની સિદ્ધિ વિશે વાત કરીએ તો, આજે તેઓના આજુબાજુના તાલુકાઓ તેમજ બહારથી ઘણાય ખેડૂતો પ્રેક્ટિકલ નોલેજ માટે તેમજ કૃષિ વિષયક વિષય શીખનાર વિદ્યાર્થીઓ પણ તેમના ફાર્મની મુલાકાતે આવે છે
જેમને તેઓ પોતે અન્ય ખેડૂતોને રસાયણમુક્ત ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે. તેમણે આવનાર મુલાકાતીઓ માટે ફાર્મ પ્રત્યેના પોતાના પ્રતિભાવ જણાવવા માટે મુલાકાતી રજીસ્ટર પણ બનાવ્યું છે જેમાં આવનાર દરેક મુલાકાતીઓ પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના વિચારો લખે છે. પ્રાકૃતિક ખેતી વિશેના પોતાના અનુભવ પોતાના શબ્દોમાં વિસ્તૃતમાં જણાવતાં માનસિંહ ડામોર જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની સામે રાસાયણિક ખેતી એ ધીમું ઝેર છે જે આપણી સાથે જમીનની ફળદ્રુપતાને પણ કોરી ખાય છે. પ્રાકૃતિક ખેતીથી માણસની અને કુદરતી પ્રકૃતિ પણ જળવાઈ રહે છે. માણસના શરીરમાં ને જમીનમાં શુદ્ધતા આવે છે. જમીનમાં જીવાત પડતી નથી એટલે પાક બગડવાની કે નુકસાનને કોઈ અવકાશ નથી. રાસાયણિક ખાતર લેવામાં જે ખર્ચ થાય છે એ અહીં થતો નથી. રાસાયણિક ખાતર પાછળ ખર્ચ કર્યા પછી પણ જો આપણને સારી ગુણવતા વાળો પાક ન મળે તો એ મહેનત નકામી છે. જયારે પ્રાકૃતિક ખેતી દ્વારા પકવવામાં આવેલ પાકનો મૂળ સ્વાદ જળવાઈ રહે છે. પ્રાકૃતિક ખેતી કરીને પાકના ઉત્પાદન અને આવક બંનેમાં વધારો થાય છે. ઉપરાંત જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. પ્રાકૃતિક ખેતી વડે પોતાને મળતા ફાયદા ઉપરાંત અનેક હકારાત્મક પાંસાઓના કારણે તેમણે સૌ ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણી જમીનને રસાયણમુક્ત બનાવવા તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ અવશ્ય વળવું જોઈએ. જેથી જમીનની ફળદ્રુપતા અને પાકનો મૂળ સ્વાદ સચવાઈ રહે અને આપણા સૌનું સ્વાસ્થ્ય પણ સારુ રહે.
Reporter: News Plus