૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે અત્યંત સુચારૂ અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વૃદ્ધ અને વરિષ્ઠ નાગરિકો માટે તંત્ર અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર ચા-નાસ્તાની સુવિધા અને વૃદ્ધો માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. સ્વયંસેવકોની ટીમ પોતે વૃદ્ધ નાગરિકોને વ્હીલચેર પર સન્માનપૂર્વક બેસાડીને મતકુટીર સુધી લઈ જાય છે અને મતદાન પૂર્ણ થયા બાદ તેમને સુરક્ષિત રીતે ગેટની બહાર સુધી મૂકી જાય છે.

આ સુવિધાનો લાભ લીધેલા વરીષ્ઠ નાગરીક શ્રી અરવિંદભાઇ પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મે છેલ્લા ૩૦ વર્ષથી મતદાન કર્યું છે. મે નોકરી દરમિયાન પ્રિસાઇડીંગ તરીકે પણ ફરજ બજાવી છે. છેલ્લા ૦૫ વર્ષથી રીટાયર્ડ તરીકે જીવન માણી રહ્યો છું. આજે મતદાન મથકે સ્વયંસેવકો દ્વારા વરીષ્ઠ નાગરીકો માટે વ્હીલચેરની સુવિધા ઉભી કરી છે જે ખુબ સારી બાબત છે અને હુ સ્વયંસેવકોનો ખુબ ખુબ આભાર માનુ છું.
અંતે તેમણે મતદાન આપણો હક છે અને દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઇએ એમ અપીલ કરી હતી. ચૂંટણી તંત્ર અને સ્વયંસેવકોની સુઝબુઝથી વરિષ્ઠ નાગરિકોને ખૂબ જ રાહત અને સંતોષનો અનુભવ થઇ રહ્યોસ છે.
Reporter: admin







