માતોશ્રીથી દિલ્હી સુધી રાજકીય ગરમાવો: ‘ચા-પાણી’ બેઠકથી મહારાષ્ટ્રમાં અટકળો તેજ
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા રાજકીય ઉલટફેરના સંકેતો જોવા મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના કેટલાક સાંસદો પક્ષ બદલી શકે તેવી અટકળો વચ્ચે દિલ્હીમાં થયેલી એક મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે.અહેવાલો મુજબ, તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે પક્ષના લોકસભા સાંસદોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. પક્ષના કુલ 9 સાંસદોમાંથી માત્ર 4 સાંસદો જ બેઠકમાં રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે અન્ય 5 સાંસદો વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હોવાનું જણાવાયું હતું.આ દરમિયાન યવતમાલ-વાશિમ લોકસભા બેઠકના સાંસદ સંજય દેશમુખ દિલ્હીમાં પહોંચ્યા હતા અને તેમણે શિંદે જૂથના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય મંત્રી Prataprao Jadhav સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં નવી અટકળોએ જોર પકડ્યું છે.
કેન્દ્રીય મંત્રી પ્રતાપ જાધવે આ મુલાકાતને સામાન્ય ગણાવતા જણાવ્યું કે સંજય દેશમુખ તેમની શૈક્ષણિક સંસ્થાના કામકાજ અંગે માહિતી મેળવવા આવ્યા હતા અને બંને વચ્ચે માત્ર સામાન્ય ચર્ચા થઈ હતી. તેમણે કોઈ રાજકીય ચર્ચા થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.બીજી તરફ, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ જૂથના 9માંથી 7 સાંસદો શિંદે જૂથના સંપર્કમાં છે. જોકે, આ દાવાઓને ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા Sanjay Rautએ ફગાવી દીધા છે. તેમણે તમામ અટકળોને અફવા ગણાવીને કહ્યું કે પક્ષના વડા તમામ સાંસદો સાથે સતત સંપર્કમાં છે.રાજકીય નિષ્ણાતોના મતે, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરવાથી બચવા માટે કુલ 9માંથી ઓછામાં ઓછા 6 સાંસદોએ એકસાથે અલગ થવું જરૂરી છે. હાલ કોઈ સાંસદે સત્તાવાર રીતે પક્ષ બદલવાની જાહેરાત કરી નથી, પરંતુ દિલ્હીમાં થયેલી આ મુલાકાતે મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં નવી રાજકીય હલચલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Reporter: admin







