કડી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ભ્રષ્ટાચાર મામલે સત્તાધારી ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો જ હવે ખુલ્લેઆમ પત્રો લખી રહ્યા છે તેમ જ રજૂઆતો કરી રહ્યા છે. દારૂબંધી સહિત અનેક સમસ્યાઓને લઈને અવારનવાર સરકાર સામે સવાલો ઉઠે છે. પરંતુ આ વખતે તો સત્તાધારી પક્ષના જ ધારાસભ્ય ફરિયાદ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં ખૂલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે.
મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ SP અને PIને રજૂઆત કરી છે કે પોલીસે જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હોય તે બંધ કરાવવું જોઈએ. આટલું જ નહીં ધારાસભ્યએ મુખ્યમંત્રીને પણ આ મુદ્દે મૌખિક રજૂઆત કરી છે. તો આગામી સમયમાં આ બાબતે રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરશે તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું. બીજી તરફ, ભાજપના ધારાસભ્યએ દારૂબંધી સામે સવાલ ઉઠાવતાં સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. તો ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે.કડી અને આસપાસના વિસ્તારમાં ખુલ્લેઆમ દાદાગીરીથી જુગારના અડ્ડા, દેશી અને વિદેશી દારૂના અડ્ડા બેરોકટોક ધમધમી રહ્યા છે. આ મામલે વારંવાર લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે હવે ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીએ જાતે જ નંદાસણ પોલીસ સ્ટેશન પહોંચીને દારૂના વેચાણ મામલે સવાલો ઉઠાવ્યા છે.
ધારાસભ્ય કરસન સોલંકીએ વધુમાં કહ્યું હતું કે, 'માત્ર નંદાસણ જ નહીં, પરંતુ બધી જગ્યાએ હું ફરું છું, બધે જ દારૂનો વેપાર-ધંધો ચાલી રહ્યો છે. આ બાબતે PI તેમજ SP સાહેબને રજૂઆત કરી છે કે કડી તાલુકા તેમજ વિધાનસભા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, એ બધી જ જગ્યાઓ તેમજ દારૂના ધંધાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરવા માટે આવ્યો હતો.'
Reporter: News Plus