અમરાવતીઃ કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે, મોટા ભાગે તેમના નિવેદનમાં તર્ક પણ જોવા મળે છે. ફરી એક વાર તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યાં છે.
એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, લોકો જાતિવાદી નથી હોતા પરંતુ નેતા પોતાના રાજકીય સ્વાર્થ માટે જાતિવાદી હોય છે. આ નિવેદન થકી તેમણે જાતિવાદ ફેલાવતા નેતાઓ સામે કટાક્ષ કર્યો છે. રાજકીય નેતાઓ સત્તાની લાલચ માટે લોકોમાં જાતિવાદનું ઝેર ઘોળતા હોય છે. નિતિન ગડકરીએ કહ્યું કે, સામાજિક અસમાનતાને ખતમ કરવાની આવશ્યકતા છે, અને જાતિય ભેદભાવને પણ દૂર કરવાની જરૂર છે.
અમરાવતીમાં આયોજિત ડૉ. પંજાબરાવ ઉર્ફે ભાઉસાહેબ દેશમુખ મેમોરિયલ એવોર્ડ કાર્યક્રમમાં નિતિન ગડકરીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા નિતિન ગડકરીએ કહ્યું કે પછાતપણાની ચર્ચા રાજકીય વાટાઘાટોમાં સામાજિક ન્યાયથી હટીને હવે સોદાબાજીનો વિષય બની ગઈ છે. જેના કારણે સામાન્ય લોકો હેરાન થઈ રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ જાતિને રાજકીય હથિયાર બનાવીને સત્તા મેળવવા માંગતા નેતાઓની નિંદા કરી હતી. આ સાથે તર્ક આપ્યો કે, નેતાઓ સામાજિક વિકાસ કરવાને બદલે માત્ર ચૂંટણી જીતવા માટે કૃત્રિમ રીતે લોકોનું જાતિમાં વિભાજન કરે છે.
Reporter: admin