વડોદરા શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કપુરાઈ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 558 ગ્રામ વનસ્પતિજન્ય સુકો માદક પદાર્થ (ગાંજો) સાથે એક શખ્સની ધરપકડ કરી તેની પાસેથી કુલ રૂ. 77,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર માર્ગદર્શન હેઠળ કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.સી. રાઓલની ટીમે આ કાર્યવાહી કરી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સોમા તળાવ બ્રિજ પાસે ભંગારની દુકાન સામે એક વ્યક્તિ એક્ટિવામાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી લાલસિંહ ઉર્ફે લાલો કરણસિંહ ઉર્ફે કનુભાઈ રાઠોડ (રહે. મંદિરવાળું ફળિયું, સોમા તળાવ બ્રિજ પાસે, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન આરોપી પાસેથી 558 ગ્રામ ગાંજો, પેકિંગ માટે ઉપયોગમાં લેવાયેલી પ્લાસ્ટિકની થેલીઓ, સ્ટેપલર પીન, કાળા રંગનું એક્ટિવા (GJ-06-QH-9200) સહિત કુલ રૂ. 77,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં સુરતના રેલવે પટરી વિસ્તારના રહેવાસી અશ્વિનીકુમાર નામના એક શખ્સને ફરાર આરોપી જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
કપુરાઈ પોલીસે આરોપી સામે NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Reporter: admin







