News Portal...

Breaking News :

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ મુદ્દે જાપાનના પૂર્વ મંત્રીએ ભારતની ટીકા કરી

2026-07-17 15:30:52
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ મુદ્દે જાપાનના પૂર્વ મંત્રીએ ભારતની ટીકા કરી

ભારતના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થયેલા વિલંબને લઈને જાપાનના પૂર્વ મંત્રી હિદેકી માકિહારાએ ભારતની કાર્યશૈલી અંગે કડક ટિપ્પણીઓ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે પ્રોજેક્ટમાં થયેલા વિલંબ માટે ભારતીય પક્ષને જવાબદાર ગણાવતાં વચનોનું પાલન ન કરવાના અને નિર્ણયો બદલવાના આક્ષેપો કર્યા છે.


હિદેકી માકિહારાએ લખ્યું કે તેઓ પોતે શિંકાનસેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બેઠકો અને ચર્ચાઓ દરમિયાન ભારતીય પક્ષ તરફથી વારંવાર બેદરકારી જોવા મળી હતી. તેમણે દાવો કર્યો કે પ્રોજેક્ટને આગળ વધારવામાં સૌથી મોટી અડચણ ભારતીય પક્ષની કાર્યપદ્ધતિ રહી છે.

પૂર્વ મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારતે જાપાનની જગ્યાએ યુરોપિયન સિગ્નલિંગ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય લીધો અને ટ્રેનસેટનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવાનો માર્ગ પસંદ કર્યો, જેના કારણે બંને દેશો વચ્ચેના સહકાર પર અસર પડી છે.


તેમણે પોતાના સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે, "ભારતીય પક્ષ વચનોનું પાલન કરતું નથી. કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કર્યા બાદ પણ તેમાંથી પાછળ હટી જાય છે અને અંત સુધી માત્ર પોતાના હિતને પ્રાથમિકતા આપે છે." તેમણે એમ પણ કહ્યું કે જવાબદાર સ્તરે યોગ્ય સહકારના અભાવને કારણે અર્થપૂર્ણ ચર્ચા શક્ય બની નહોતી.

હિદેકી માકિહારાએ દાવો કર્યો કે શિંકાનસેન પ્રોજેક્ટ આગળ ન વધી શકવાનો સંપૂર્ણ દોષ ભારતીય પક્ષનો છે. જોકે, આ નિવેદન અંગે ભારત સરકાર તરફથી સત્તાવાર કોઈ પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાન વચ્ચેના મહત્વપૂર્ણ સહયોગી પ્રોજેક્ટ્સમાંનો એક છે અને તેનું મોટાભાગનું નાણાંકીય સહાય પેકેજ જાપાન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટનું કામ હાલ વિવિધ તબક્કામાં આગળ વધી રહ્યું છે.

Reporter: admin

Related Post