અમદાવાદ : ઉત્તરાયણ પહેલાં જ ભાજપે સંગઠનને નવો ઓપ આપવા તૈયારીઓ આદરી છે. વોર્ડ પ્રમુખ બાદ હવે શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંક માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ છે.
આ દરમિયાન નવા પ્રદેશ સુકાનીની પસંદગી થાય તે પહેલાં ભાજપમાં શિસ્તના લીરેલીરા ઉડ્યાં છે.ક્યાંક લેટરવોરને પગલે ભાજપના નેતાઓ બાખડયાં છે. તો ક્યાંક ભાજપમાં શહેર-જિલ્લા પ્રમુખપદ મેળવવા ભારે ખેચતાણ જામી છે. જેના કારણે ભાજપના નેતા-કાર્યકરો આમને સામને આવ્યાં છે. આક્ષેપબાજીનો મારો જામ્યો છે. આ બધા વચ્ચે સહકારી ક્ષેત્રમાં ભાજપના મેન્ડેટના ભાજપના નેતાઓ જ ચીંથરા ઉડાવી રહ્યાં છે. ભાજપના નેતાઓ જ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ જોતાં અત્યારે જાણે ભાજપના નેતા-કાર્યકરો રણીધણી વિનાના બન્યાં છે. એવી સ્થિતી સર્જાઈ છે કે, ડેમેજ કંટ્રોલ કરનાર જ કોઈ નથી. આ સ્થિતિ જોતાં શિસ્તબદ્ધ પક્ષ ભાજપની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ છે.
પક્ષવિરોધી પ્રવૃતિની ગુંજ છેક દિલ્હી સુધી સંભળાઈ છે જેથી હાઇકમાન્ડ પણ ખફા છે.અત્યારે ગુજરાત ભાજપ આંતરિક ઘમાસાણ જામ્યુ છે, જેના કારણે પક્ષની પ્રતિષ્ઠા ખરડાઈ છે. કેટલાંક મુદ્દાઓ ભાજપની પ્રદેશ નેતાગીરીની ઊંઘ ઉડાડી દીધી છે. અમરેલીમાં વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરિયા વિરૂદ્ધ પત્રકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યુ હતું જે મુદ્દો સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાતભરમાં ચગ્યો છે. આ મામલે પાટીદારો ભાજપથી ખફા થયા છે. આ પ્રકરણમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ભાજપ ધારાસભ્ય સામે ધોકો પછાડયો છે. એટલું જ નહીં, આક્ષેપ કર્યો કે, કોઈક નેતાને રાજી કરવા પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યુ છે.
Reporter: admin