News Portal...

Breaking News :

આઈએનએસ મહેન્દ્રગિરિ ભારતીય નૌકાદળમાં સામેલ, સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ સ્ટેલ્થ યુદ્ધજહાજનું કમિશનિંગ

2026-07-11 16:56:16
આઈએનએસ મહેન્દ્રગિરિ ભારતીય નૌકાદળમાં સામેલ, સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ સ્ટેલ્થ યુદ્ધજહાજનું કમિશનિંગ

 રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડમાં અત્યાધુનિક સ્ટેલ્થ યુદ્ધજહાજ આઈએનએસ મહેન્દ્રગિરિને ભારતીય નૌકાદળમાં કમિશન કર્યું. પ્રોજેક્ટ-17A હેઠળનું આ નીલગિરિ શ્રેણીનું છઠ્ઠું સ્ટેલ્થ ફ્રિગેટ છે, જેનું નિર્માણ 75 ટકાથી વધુ સ્વદેશી સાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે.


રાજનાથ સિંહે જણાવ્યું કે આઈએનએસ મહેન્દ્રગિરિ ભારતીય નૌકાદળની દરિયાઈ સુરક્ષા અને શક્તિને વધુ મજબૂત બનાવશે તેમજ હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની વ્યૂહાત્મક ક્ષમતામાં વધારો કરશે. આ યુદ્ધજહાજ હવાઈ હુમલા, દુશ્મનના યુદ્ધજહાજો અને સબમરીન જેવા ખતરાઓનો એકસાથે સામનો કરવાની ક્ષમતા ધરાવે છે.

કાર્યક્રમ દરમિયાન રક્ષામંત્રીએ આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં વિકસાવવામાં આવી રહેલી 'ડ્રોન સિટી' યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આઠ ડ્રોન કંપનીઓના સહયોગથી કુર્નૂલમાં આધુનિક ડ્રોન ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. જેમ સુરત 'ડાયમંડ સિટી' અને બેંગલુરુ 'સિલિકોન વેલી' તરીકે ઓળખાય છે, તેમ આગામી સમયમાં કુર્નૂલ દેશનું 'ડ્રોન હબ' તરીકે ઓળખાશે.


આઈએનએસ મહેન્દ્રગિરિનું ડિઝાઇન ભારતીય નૌકાદળના વૉરશિપ ડિઝાઇન બ્યુરોએ તૈયાર કર્યું છે, જ્યારે તેનું નિર્માણ મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે. તેના નિર્માણમાં દેશભરની અનેક MSME કંપનીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના કારણે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળ્યું છે તેમજ રોજગારીની નવી તકોનું સર્જન થયું છે.

આ યુદ્ધજહાજમાં અત્યાધુનિક સરફેસ-ટુ-સરફેસ અને સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ, અદ્યતન ઇલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, એન્ટી-સબમરીન વૉરફેર સિસ્ટમ તેમજ ઇન્ટિગ્રેટેડ કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. ઉપરાંત તેમાં આધુનિક સ્ટેલ્થ ટેક્નોલોજી અને કમ્બાઇન્ડ ડીઝલ એન્ડ ગેસ (CODOG) પ્રોપલ્શન સિસ્ટમ આપવામાં આવી છે, જેના કારણે તે લાંબા અંતર સુધી વધુ ઝડપે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે.

Reporter: admin

Related Post