હરિયાણાના જિન્દમાં હાઇડ્રોજન પ્લાન્ટ થી ટ્રાયલની શરૂઆત કરાઇ જે એક સપ્તાહ સુધી ચાલશે
જિન્દ : ભારતે રેલવે ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે, હરિયાણાના જિન્દથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી, આઠ ડબા સાથે આ ટ્રેન ૭૦થી ૮૦ કિમીની ઝડપે દોડી હતી. આશરે ૨૦ કિમી સુધી આ ટ્રેનને દોડાવીને તેની ટ્રાયલ કરવામાં આવી હતી, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું પરિક્ષણ યથાવત રાખવામાં આવશે. ટ્રાયલ પૂર્ણ થઇ ગયા બાદ આમ નાગરિકો માટે તેને સામાન્ય ટ્રેનોની સાથે જ દોડાવવામાં આવશે. હરિયાણાના જિન્દમાં હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેને પગલે આ વિસ્તારથી હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જે આગામી દિવસોમાં હાઇડ્રોજન ટ્રેનો માટે દેશનું મુખ્ય કેન્દ્ર સ્થાન બની રહેશે.
હાઇડ્રોજન ટ્રેનની અનેક ખાશિયતો છે જેમ કે ટ્રેન બહુ ઘોંઘાટ નથી કરતી, આ ટ્રેનને ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવી છે.હાલમાં ડીઝલ એન્જિનથી ચાલતી ટ્રેનો પણ સક્રિય છે, જેમાં ગ્રીનહાઉસ ગેસ એમિશન (સીઓ-૨ અને એનઓએક્સ) અને ફોસિલ ફ્યૂલ (હાઇ સ્પીડ ડીઝલ) યોગ્ય રીતે બળી નથી શકતા જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેનો આ ડીઝલથી ચાલતી ટ્રેનોનો એક વિકલ્પ છે પરંતુ તેને ચલાવવા પાછળ ખર્ચ બહુ થાય છે. ઓવરહેડ લાઇનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ થાય છે. તેની સરખામણીમાં હાઇડ્રોજનથી ચાલનારી ટ્રેનો મોંઘા ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક વગર દોડી શકે છે. હાલ ટ્રાયલ માટે આ ટ્રેનને હરિયાણાના જિન્દથી લલીત ખેરા વચ્ચે દોડાવવામાં આવી હતી. અન્ય ટ્રેનોની સરખામણીમાં હાઇડ્રોજન ટ્રેન ઘણી અલગ છે, કેમ કે આવી ટ્રેનમાં હાઇડ્રોજનમાં મોડિફાઇડ કમ્બશન એન્જિનનો ઉપયોગ કરીને ઉર્જા આપવાની તાકાત હોય છે, પ્રદૂષણને ઓછુ કરવા માટે મદદ કરે છે.
Reporter: admin







