News Portal...

Breaking News :

દેશમાં અંગદાનનો નવો રેકોર્ડ, વર્ષ 2025માં 20,138 અંગ પ્રત્યારોપણ થયા

2026-08-04 15:24:37
દેશમાં અંગદાનનો નવો રેકોર્ડ, વર્ષ 2025માં 20,138 અંગ પ્રત્યારોપણ થયા

દેશમાં અંગદાન પ્રત્યે વધતી જાગૃતિ હવે રેકોર્ડ આંકડાઓમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્ષ 2025 દરમિયાન દેશભરમાં 20,138 અંગ પ્રત્યારોપણ (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ) કરવામાં આવ્યા, જે એક જ વર્ષમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો છે. ઉપરાંત, વર્ષ 2023માં રાષ્ટ્રીય ડિજિટલ પોર્ટલ શરૂ થયા બાદ 5 લાખથી વધુ લોકોએ આધાર ચકાસણી સાથે અંગદાન કરવાની પ્રતિજ્ઞા લઈને આ મહાદાન અભિયાન સાથે જોડાવાનો સંકલ્પ કર્યો છે.

અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે અંગદાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નવજીવન આપતું સૌથી મહાન માનવતાવાદી કાર્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2013માં દેશમાં માત્ર 4,990 અંગ પ્રત્યારોપણ થયા હતા, જ્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 20,138 સુધી પહોંચી ગઈ છે. તે જ રીતે, મૃત દાતાઓ દ્વારા થયેલા અંગ પ્રત્યારોપણની સંખ્યા પણ 837માંથી વધીને 3,526 થઈ છે, જે દેશમાં અંગદાન અંગે વધી રહેલી જાગૃતિ અને આરોગ્ય સેવાઓની મજબૂતીનો પુરાવો છે.

સરકારના જણાવ્યા મુજબ, કુલ અંગ પ્રત્યારોપણના મામલે ભારત હવે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે જીવંત દાતાઓ દ્વારા થતા અંગ પ્રત્યારોપણમાં ભારત સતત પ્રથમ સ્થાને છે. સરકારનું માનવું છે કે ડિજિટલ વ્યવસ્થા, પારદર્શક પ્રક્રિયા અને વ્યાપક જનજાગૃતિ અભિયાનોના કારણે લોકોમાં અંગદાન પ્રત્યે વિશ્વાસ વધ્યો છે, જેના પરિણામે આગામી વર્ષોમાં આ અભિયાનને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Reporter: admin

Related Post