દેશમાં જુલાઈ 2026 દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની વસૂલાતે નવો રેકોર્ડ બનાવ્યો છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જુલાઈ મહિનામાં ગ્રોસ GST કલેક્શન 15.4 ટકાના વાર્ષિક વધારા સાથે ₹2,11,205 કરોડ સુધી પહોંચ્યું છે. ગયા વર્ષના જુલાઈમાં આ આંકડો ₹1.83 લાખ કરોડ હતો, જ્યારે જૂન 2026માં લગભગ ₹1.95 લાખ કરોડની વસૂલાત નોંધાઈ હતી. સરકારના જણાવ્યા મુજબ, સ્થાનિક વ્યવહારો અને આયાતમાંથી વધેલા કરવેરા કારણે GST આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
આંકડા મુજબ, જુલાઈ દરમિયાન સેન્ટ્રલ GST (CGST)માંથી ₹39,835 કરોડ, સ્ટેટ GST (SGST)માંથી ₹47,881 કરોડ અને ઇન્ટિગ્રેટેડ GST (IGST)માંથી ₹1.23 લાખ કરોડથી વધુની આવક થઈ છે. આ દરમિયાન ટેક્સ રિફંડમાં પણ 13.1 ટકાનો વધારો નોંધાયો છે અને તે ₹29,968 કરોડ સુધી પહોંચ્યો છે. રિફંડ બાદ સરકારની નેટ GST આવક ₹1.81 લાખ કરોડથી વધુ રહી છે.
અર્થશાસ્ત્રીઓના મતે સતત વધી રહેલું GST કલેક્શન દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં મજબૂતી દર્શાવે છે. ડેલોઇટ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, સ્થાનિક વપરાશમાં સતત વધારો અને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક તથા તેલંગાણા જેવા મુખ્ય ઔદ્યોગિક રાજ્યોમાં નોંધાયેલા સારા GST કલેક્શનથી અર્થતંત્ર વધુ મજબૂત બનતું હોવાનું સ્પષ્ટ થાય છે. બીજી તરફ, KPMGના નિષ્ણાતોએ જણાવ્યું કે જુલાઈમાં GST આવકમાં થયેલા વધારામાં આયાતનો પણ મહત્વનો ફાળો રહ્યો છે, જેના અંગે આગળ વધુ વિશ્લેષણ કરવામાં આવશે.
Reporter: admin







