News Portal...

Breaking News :

ઇન્ડોનેશિયાથી PM મોદીનો ચીનને પરોક્ષ સંદેશ, બ્રહ્મોસ સહિત 20 કરારો પર હસ્તાક્ષર

2026-07-07 17:52:18
ઇન્ડોનેશિયાથી PM મોદીનો ચીનને પરોક્ષ સંદેશ, બ્રહ્મોસ સહિત 20 કરારો પર હસ્તાક્ષર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને મુક્ત સમુદ્રી માર્ગોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત મુક્ત, ખુલ્લા અને નિયમ આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું સમર્થન કરે છે. તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જોઈએ અને સમુદ્રી માર્ગો દરેક માટે ખુલ્લા રહેવા જોઈએ. માનવામાં આવે છે કે તેમનું આ નિવેદન ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનની વધતી સૈન્ય અને દરિયાઈ ગતિવિધિઓની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

મંગળવારે જકાર્તામાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કુલ 20 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા. તેમાં સૌથી મહત્વપૂર્ણ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સંબંધિત કરાર રહ્યો. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી ચર્ચા બાદ ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલની વધારાની યુનિટ ઉપલબ્ધ કરાવશે. આ સાથે ફિલિપાઇન્સ અને વિયેતનામ બાદ ઇન્ડોનેશિયા બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર ત્રીજો દેશ બન્યો છે.


ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેઓ મોદી સરકારની સફળ યોજનાઓથી પ્રેરિત છે અને તેને પોતાના દેશમાં અમલમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે હળવી ટિપ્પણી કરતાં કહ્યું કે, “હું મોદીજીનું કરિયર કૉપી કરું છું. સદભાગ્યે આ યોજનાઓ પર કોઈ કૉપિરાઇટ નથી,” જેના બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું
.

પ્રધાનમંત્રી મોદી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. ઉપરાંત બુધવારે તેઓ ઇન્ડોનેશિયાના સૌથી મોટા અને એક હજાર વર્ષથી વધુ પ્રાચીન હિંદુ મંદિર પ્રમ્બાનન મંદિરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, સંરક્ષણ અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

Reporter: admin

Related Post