નવી સેટેલાઇટ તસવીરોમાં ભારતના હિમાલયથી દક્ષિણ કોરિયા સુધી આશરે 7થી 10 હજાર કિલોમીટર લાંબી વાદળોની પટ્ટી જોવા મળી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ સ્થિતિને મોન્સૂન કન્વર્જન્સ ઝોન કહેવામાં આવે છે. હિંદ મહાસાગરમાંથી આવેલી ભેજયુક્ત પવનો એશિયા તરફ આગળ વધતા આ સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.
છેલ્લા બે દિવસમાં દેશમાં સામાન્ય કરતાં 170થી 180 ટકા વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, છત્તીસગઢ અને ગુજરાતમાં છેલ્લા લગભગ 60 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. ભેડાવલ અને સીમાડા નદીઓ સહિત અનેક નદીઓ ખતરાના સ્તરે વહે રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને 2,244 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં આજે 69 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ આસામમાં પૂરથી 6.53 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે પૂર સંબંધિત કુલ મૃત્યુઆંક વધીને 41 પર પહોંચ્યો છે. પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે.
Reporter: admin







