મેલબર્ન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના ઇન્ડો-પેસિફિક પ્રવાસના ભાગરૂપે હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઊર્જા સુરક્ષા, યુરેનિયમ અને ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય સહિત અનેક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો થયા છે.
મેલબર્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા, સમુદ્રી સુરક્ષા, સાયબર ટેકનોલોજી, સપ્લાય ચેઇન, પરમાણુ ઊર્જા, અવકાશ ક્ષેત્ર અને વેપાર જેવા મુદ્દાઓ પર સહમતી નોંધાઈ હતી.
આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ અને રેર અર્થ (ક્રિટિકલ) મિનરલ્સની સતત સપ્લાય કરશે. આ ખનિજો ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર, બેટરી, ડિફેન્સ અને હાઈ-ટેક ઉત્પાદન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવાની સાથે કોલસા પરની નિર્ભરતા ઘટાડવામાં પણ આ સમજૂતી મહત્વની સાબિત થશે.
Reporter: admin







