ભારતમાં પ્રથમ વખત ડેન્ગ્યુ સામેની વેક્સિનને મંજૂરી મળી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયાની ડેન્ગ્યુ વેક્સિન **QDENGA (TAK-003)**ને દેશમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ વેક્સિન 4 થી 60 વર્ષ સુધીના લોકો માટે ઉપયોગ કરી શકાશે. ખાસ વાત એ છે કે વેક્સિન લેતા પહેલાં વ્યક્તિને અગાઉ ક્યારેય ડેન્ગ્યુ થયો હતો કે નહીં તેની તપાસ કરાવવાની જરૂર રહેશે નહીં.
આ મંજૂરી તાકેડાના વૈશ્વિક ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના આધારે આપવામાં આવી છે. જેમાં ફેઝ-1, ફેઝ-2 અને ફેઝ-3ના કુલ 19 ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા, જેમાં 28 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
QDENGAની બે ડોઝ આપવામાં આવશે. દરેક ડોઝ 0.5 મિલીલીટરનો હશે, જે ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવશે. બંને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવામાં આવશે.
ભારતમાં જ થશે ઉત્પાદન
QDENGA જાપાની કંપની તાકેડાની શોધ છે, પરંતુ મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં જ તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. આ માટે તાકેડાએ હૈદરાબાદની ફાર્મા કંપની બાયોલોજિકલ ઈ સાથે કરાર કર્યો છે. દેશમાં ઉત્પાદન થવાથી વેક્સિનની સપ્લાય વધુ ઝડપી અને સરળ બનવાની આશા છે.
હાલમાં વેક્સિનની કિંમત જાહેર કરવામાં આવી નથી. જોકે, ભારતમાં ઉત્પાદન થવાના કારણે તેની કિંમત સામાન્ય લોકો માટે પરવડે તેવી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોન્ચ બાદ શરૂઆતના છ મહિના સુધી વેક્સિનની અસર અને સલામતી પર સતત નજર રાખવામાં આવશે.
Reporter: admin







