20મી એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ હોકી ટીમની બુધવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબર દરમિયાન યોજાનારી સ્પર્ધા માટે 20 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. ટીમની કમાન અનુભવી ડિફેન્ડર હરમનપ્રીત સિંહને સોંપવામાં આવી છે.
2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમ આ વખતે પણ ખિતાબ જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. અનુભવી મિડફિલ્ડર મનપ્રીત સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે યુવા અને અનુભવી ખેલાડીઓનું સંતુલિત સંયોજન ટીમમાં જોવા મળે છે.
ટીમમાં ગોલકીપર તરીકે મોહિત એચએસ અને સુરજ કરકેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિફેન્સમાં જર્મનપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, ગુરજાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચને જવાબદારી સોંપવામાં આવી છે.
મિડફિલ્ડમાં રાજિંદર સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, નીલાકાંતા શર્મા અને વિવેક સાગર પ્રસાદનો સમાવેશ થયો છે. જ્યારે ફોરવર્ડ લાઇનમાં દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકડા, સુખજીત સિંહ, મનદીપ સિંહ અને અભિષેકને સ્થાન મળ્યું છે.
ભારતને પૂલ-Aમાં યજમાન જાપાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા સાથે સ્થાન મળ્યું છે. આ ટુર્નામેન્ટની વિજેતા ટીમને સીધી LA 2028 ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની તક મળશે.
ભારતીય ટીમના મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે ટીમમાં અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે LA 2028 ઓલિમ્પિકનું ટિકિટ મેળવવું જ ટીમનું મુખ્ય લક્ષ્ય છે.
Reporter: admin







