વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ મકાન પંચાયત હસ્તકના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતાં નુકશાન થયું હતુ.
આ રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કુલ ૫૪ માર્ગો પ્રભાવિત થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગોને શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.જે પૈકી કુલ ૫૦ માર્ગો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.જ્યારે ચાર માર્ગો કોઝ વે પર ઓવરટેપિંગ અને પાણી ભરાવાને કારણે બંધ હાલતમાં છે જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.માર્ગ મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર નાયકાવાલાએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં પૂરના કારણે પંચાયત હસ્તકના કુલ ૪૬ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.
પૂરના પાણી ઓસરતાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓની મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.જે પૈકી ૪૨ રસ્તાઓનું રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવ્યા છે.જિલ્લામાં હાલમાં કરજણ તાલુકાના ત્રણ અને પાદરા તાલુકાનો એક માર્ગ રસ્તા પર પાણી ભરાવ અને કોઝ વે પર ઓવરટેપિંગના કારણે બંધ હાલતમાં છે.જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલે કહ્યુ હતું કે વડોદરા જિલ્લામાં પૂરના કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના કુલ ૦૮ રસ્તાઓ પ્રભાવિત થયા હતા. જે પૈકી ૦૭ રસ્તાઓની મરામત કામગીરી પૂર્ણ કરી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.હાલમાં કરજણ તાલુકાના કોરાલ - શાનપૂર - સોખડા માર્ગ કોઝ વે પર ઓવરટેપિંગના કારણે બંધ છે.જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.
Reporter: admin