વિકાસના નામે ખર્ચાનો ભાર વડોદરાની જનતા પર દિવાળી પછી સ્થાયીમાં વિવાદાસ્પદ દરખાસ્તો
લૂંટ સકે તો લૂંટ લે
પાલિકાના પદાધિકારીઓને લૂંટ એક જ ધંધો બન્યો?
રાજકમલ બિલ્ડર્સને લાભ પહોંચાડવાનો પ્રયાસ વિવાદાસ્પદ દરખાસ્ત ફરી ચર્ચામાં
 32 ટકા વધુ ભાવે ફૂટ-ઓવર બ્રિજ બનાવવાનો રચાયો કારસો 
વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓને શહેરની જનતાને લૂંટવા સિવાય બીજો કોઇ રસ નથી, તે બાબત વારંવાર પુરવાર થઇ ચૂકી છે. આવનારી 1લી નવેમ્બરે યોજાનારી સ્થાયી સમિતિની બેઠકમાં ફરી એકવાર જનતાના હિતને ઠેસ પહોંચાડતી વિવાદાસ્પદ દરખાસ્ત રજૂ થવા જઈ રહી છે.સ્થાયી સમિતિનાં એજન્ડામાં બીજા ક્રમે જે દરખાસ્ત છે, તે મુજબ કમાટીબાગ વિસ્તારમાં પક્ષી ઘરથી લાયન-ટાયગર એન્ક્લોઝર તરફ આવેલા જુના પુલને સમાંતર નવો ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો પ્રસ્તાવ છે. આ કામ માટે વિવાદાસ્પદ રાજકમલ બિલ્ડર્સને 32 ટકા વધારાના ભાવે 14,62,62,785 રૂપિયાનું ભાવપત્રક મંજૂર કરવાનું સૂચન છે. અધિકારીઓએ આ દરખાસ્તને ફરીથી વિચારણા માટે સ્થાયી સમિતિ સમક્ષ મૂકેલી છે.આ નિર્ણય વડોદરા કોર્પોરેશનના પદાધિકારીઓ કોન્ટ્રાક્ટરોને કેવી રીતે લાભ પહોચાડે છે તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. 32 ટકા વધારાના દરે ફૂટ- ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત લાવતાં પહેલા એ પ્રશ્ન ઉઠે છે કે શું શહેર અથવા રાજ્યમાં એવા કોન્ટ્રાક્ટરો નથી જે યોગ્ય ભાવે આ કામ કરી શકે? શહેરમાં પૂરતી પ્રતિસ્પર્ધા હોવા છતાં રાજકમલ બિલ્ડર્સને વધારાના ભાવે કામ આપવાનું કારણ શું છે તે સવાલ ઉદ્દભવે છે.રાજકમલ બિલ્ડર્સને લાભ કરાવવા તેમજ પોતાના હિત સાચવવાના આશયથી સત્તાધીશો આ દરખાસ્ત લાવ્યા હોય એવું સ્પષ્ટ લાગે છે. અગાઉ પણ આવા કિસ્સાઓમાં રાજકમલ બિલ્ડર્સ પ્રત્યે સત્તાધીશોનાં વિશેષ “પ્રેમ”ના દાખલા જોવા મળ્યા છે. દિવાળી બાદ વધેલા ખર્ચા પૂરા કરવાની જરૂરિયાતથી પ્રેરાઈને આ દરખાસ્ત લાવવામાં આવી હોવાની ચર્ચા હાલ કોર્પોરેશનના ચાલી રહી છે. ઉલ્લખનીય છે કે કોઈ મોટા નેતાના રાજકમલ બિલ્ડર્સ ઉપર ચાર હાથ હોવાથી 32 ટકા અબાઉ ભાવની દરખાસ્ત મુકવાની હિંમત કરે છે. અને સ્થાયીમાં મંજૂર પણ થાય છે..
ગોરવા ટાંકીના નવા કામે 33 ટકા અબાઉ ની દરખાસ્ત...
કૃષ્ણા કોન્ટ્રાક્ટરને 27 કરોડથી વધુના કામની ભલામણ, અધિકારીઓના વલણ પર ઉઠ્યા પ્રશ્નો
લૂંટ સકે તો લૂંટ લે: ગોરવામાં નવી ટાંકીના કામે ફેરફારની દરખાસ્ત.  કૃષ્ણા કોન્ટ્રાક્ટરને 33 ટકા વધુ ભાવે કામ સોંપવાની તૈયારી  
વડોદરા મહાનગર પાલિકામાં “લૂંટ સકે તો લૂંટ લે”ના સિદ્ધાંત મુજબ ચાલી રહેલા સત્તાધીશો પ્રજાના પૈસા વાપરવામાં કોઈ કસર રાખતા નથી. પોતાના ઘરનું કામ કરાવવાનું હોય ત્યારે રૂપિયા બચાવવાના પ્રયત્નો કરતા આ જ અધિકારીઓ પાલિકાની તિજોરી કોન્ટ્રાક્ટરો માટે ખુલ્લી મુકી દે છે. પરિણામે વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરોને મોટો લાભ મળી રહ્યો છે અને જનતાને ફાયદો થતો નથી. સ્થાયી સમિતિના એજન્ડામાં વોર્ડ નંબર 8ના ગોરવામાં ત્રીજી અનોખી દરખાસ્ત ચર્ચામાં છે. આ પ્રસ્તાવ મુજબ જૂની ટાંકી તથા સંપ તોડી નવી ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપ, પંપિંગ મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને અન્ય સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કૃષ્ણા કન્સ્ટ્રક્શનને 33.75 ટકા વધુ રકમ સાથે રૂ. 27,39,57,605ના કામ માટે મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી છે. પ્રશ્ન એ છે કે 33.75 ટકા વધારાનો દર શા માટે રાખવામાં આવ્યો છે? શું કૃષ્ણા કોન્ટ્રાક્ટર પ્રત્યે એવો કોઈ વિશેષ પ્રેમ છે કે એને વધારાના ભાવે કામ આપવું ફરજીયાત બની ગયું છે? આ વધારાનો ખર્ચ વડોદરાની જનતાના ખિસ્સામાંથી જ આપવાનો છે અધિકારીઓ કે નેતાઓના ખિસ્સામાંથી નહીં.  રાજકમલ કોન્ટ્રાક્ટરને પણ 32 ટકા વધારાના ભાવની દરખાસ્ત આવી છૅ.હવે  33 ટકાની દરખાસ્ત રજૂ થઈ છે. શું આ તંત્રની પારદર્શિતા ઉપર પ્રશ્નચિહ્ન નથી? રાજ્યમાં તેમજ વડોદરામાં ઘણા યોગ્ય અને અનુભવી કોન્ટ્રાક્ટરો છે, જે યોગ્ય ભાવે ગુણવત્તાપૂર્વકનું કામ કરી શકે છે. છતાં પણ રાજકમલ અને કષ્ના કોન્ટ્રાક્ટર જેવા નામચીન કોન્ટ્રાક્ટરોને જ વારંવાર વધુ ભાવે કામ આપવાનું કારણ શું ? ક્યા નેતાના ઈશારે દરખાસ્ત મુકવામાં આવે છૅ.?
જો આ દરખાસ્તને સ્થાયી સમિતિ સ્વીકારશે, તો તે પ્રજાના ટેક્સના પૈસાનો બિનજરૂરી ખર્ચ ગણાશે. સત્તાધીશો આ દરખાસ્ત ફગાવી પોતાનું પ્રજાલક્ષી અને પ્રામાણિક વલણ સાબિત કરવું જોઈએ..
દિવાળી પછી સત્તાધીશોનો ‘હિસાબ’: આકાર કન્સ્ટ્રક્શનને 18 ટકા વધારાના ભાવે કામ આપવા દરખાસ્ત આકાર કન્સ્ટ્રક્શનને 18 ટકા ‘અબોવ રેટ’ ની દરખાસ્ત
વડોદરા મહાનગરપાલિકાની 1લી નવેમ્બરે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં વિકાસકાર્યોના નામે અનેક અબાવ રેટની દરખાસ્તો રજૂ થવાની છે. શહેરના સત્તાધીશો અને અધિકારીઓ દિવાળીના ભારે ખર્ચા બાદ હવે પોતાના ખિસ્સા સરભર કરવા માગતા હોય તેવી ચર્ચાઓ વર્તાઈ રહી છે.શહેરના અનેક કામો વધુ ભાવે આપવામાં આવવાના હોવાથી આ દરખાસ્તો વિવાદાસ્પદ બની છે. ખાસ કરીને વિવાદાસ્પદ ગણાતી આકાર કન્સ્ટ્રક્શન કંપનીને પણ 18.90 ટકા વધુ ભાવે કામ આપવાની દરખાસ્ત તૈયાર થઈ છે. આજવા બેલેન્ચિંગ રિઝર્વોયર હેડ વર્ક્સ વડોદરા ખાતે 5 વર્ષના O&M સાથે જીએસઆર કન્સ્ટ્રક્શન, પંપ હાઉસ અને ફીડર લાઇનના ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વર્ક માટે આકાર કન્સ્ટ્રક્શનને 13,67,08,261.77 (GST સિવાય) રૂપિયાના ભાવપત્ર પર મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે. આ દરખાસ્તને સ્થાયી સમિતિમાં મંજૂરી મળવાની પૂરતી શક્યતા વ્યક્ત થઈ રહી છે.મૂળભૂત પ્રશ્ન એ છે કે, જો કૃષ્ણા કન્સ્ટ્રક્શન અને રાજમકલ બિલ્ડરને 33 ટકા સુધીના વધારાની દરખાસ્તો મળી શકે, તો આકાર કન્સ્ટ્રક્શન પણ પાછળ કેમ રહે? શહેરના રાજકીય વર્તુળોમાં આકાર કન્સ્ટ્રક્શનને પાલિકાના સત્તાધીશોની માનીતી ફર્મ ગણવામાં આવે છે.સ્થાનિક નાગરિકોમાં મનમાં એવી લાગણી વકરતી દેખાય છે કે મેયર, ચેરમેન, શહેર પ્રમુખ કે કમિશનર વિકાસના નામે રજૂ થતી આ દરખાસ્તો વડોદરાના નહીં પરંતુ પોતાના વિકાસ માટે છે.
Reporter: admin






 
                                 
                             
                         
                                            
                                        

 
                             
                             
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                         
                                        