ભાજપનો એક કાર્યકર જાંબુઆ ચેક પોસ્ટ પર પીધેલી હાલતમાં પકડાતા ચકચાર મચી ગઇ છે. ગત 24 તારીખે મકરપુરા પોલીસ જાંબુઆ ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરીને વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે રાત્રીના સમયે જાંબુઆ બ્રિજ તરફથી એક ક્રેટા કાર આવી હતી.

ક્રેટા કારનો ચાલક કારને વાંકીચૂકી હંકારતો હોવાથી પોલીસે તેને રોક્યો હતો અને કાર ચાલકનું મોંઢુ સુંઘતા તે દારુ પીધેલો જણાયો હતો. તેનું નામ અલ્પેશ કાંતિ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. ક્રેટા કારની પાછળની સીટ પર બે શખ્સ બેઠેલા હતા.જેથી પોલીસે બંનેની તપાસ કરતા તે બંને પણ દારુ પીધેલા હોવાનું જણાયું હતું. આ બંને શખ્સો પૈકી એકનું નામ કેતન મહેન્દ્ર જયસ્વાલ (રહે, નવજીવન ટેનામેન્ટ, રવિપાર્ક ચાર રસ્તા, તરસાલી) અને બીજાનું નામ જય રાહુલ ચૌહાણ હોવાનું બહાર આવતા પોલીસે ત્રણેયની સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી તેમની અટકાયત કરી ક્રેટા કાર જપ્ત કરી હતી.

આ બનાવ બાદ શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો, કારણકે પીધેલી હાલતમાં જે ત્રણ જણા ઝડપાયા હતા તે પૈકીનો એક કેતન મહેન્દ્ર જયસ્વાલ ભાજપનો કાર્યકર છે. કેતન જયસ્વાલ પાછો એક કોર્પોરેટરનો ખાસ માનીતો પણ હોવાનું બહાર આવ્યું છે. ભાજપના કાર્યકરો તો એવી પણ ચર્ચા કરે છે કે આ પીધેલી હાલતમાં પકડાયેલો કેતન જયસ્વાલ ફ્રીડમ ગૃપ સાથે સંકળાયેલો છે . હવે કેતન જયસ્વાલના કેટલાક ભાજપના નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ થયા છે જેથી શહેર ભાજપમાં ચકચાર મચી ગઇ છે. મિસ્ડ-કોલ પાર્ટીમાં એક મિસ્ડ-કોલ મારીને નેતા બની ગયેલા આવા તત્વો ભાજપની આબરુ કાઢી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શિસ્તનો પર્યાય ગણાતી પાર્ટીના શહેર ભાજપ પ્રમુખ આવા કાર્યકરો સામે પગલા લે છે કે કેમ?
Reporter: admin







