વડોદરા શહેરમાં અવારનવાર અભયમ હેલ્પલાઈન હંમેશા મહિલાઓ ,યુવતીઓ અને સિનિયર સિટીઝનની વહારે આવતી હોય છે. ત્યારે ગત રોજ મળેલા કોલમાં પીડિત માતા જણાવે છે કે, મારી દીકરીને એક યુવક હેરાન કરે છે. ઘરે આવીને લાફો મારી ઘર આગળ બેસી રહે છે. તેવી વાત કરતા અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આપેલા સરનામે અભયમ 181ની ટીમ તાત્કાલિક પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચી અભયમની ટીમ દ્વારા અસરકારક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં જાણવા મળ્યું હતું કે, પીડિત મહિલા અન્યના ઘરે ઘરકામ કરે છે અને ઘરે દીકરી અને અન્ય ત્રણ બાળકોને ઘરે જ હોય છે. તેઓએ જણાવ્યું હતું કે, અમારી બાજુમાંજ રહેતો યુવક મારા ઘરે આવીને મારી દીકરી સાથે પ્રેમ સંબંધ અંગે પૂછતાં દીકરીએ ના કહેતા તેને લાફો મારી દીધો હતો.
મેં પ્રેમસંબંધ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો
લાફો મારી યુવક હા પડાવી જ પડશે તેવું કહી યુવતીના ઘર આગળ જ બેસી રહેવાની વાત કરી હતી. દરમિયાન અભયમની ટીમે આ યુવકનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. તે દરમિયાન યુવકે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અમો બન્ને ફોનથી વાતચીત કરીએ છીએ. આથી મેં પ્રેમસંબંધ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીને પૂછતાં જણાવ્યું હતું કે, તેઓ એક દોસ્તની રીતે વાતચીત કરતા હતા અને તેઓએ ખોટો મતલબ કાઢ્યો છે. આથી ઠપકો આપ્યો તો લાફો મારી દીધો હતો.
હાલમાં તમારે અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ
આ ઘટનાને લઈ અભયમે બંનેને સમજાવ્યા હતા અને બંનેને કહ્યું કે, તમારી ઉંમર હજુ નાની છે. તમે હજુ નાબલિક છો. હાલમાં તમારે અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. આ દરમિયાન યુવકે માફી માગી હતી અને ફરી આવું નહીં થાય તેવી બાંહેધરી આપી હતી. આખરે અભયમે બે સગીર વયના યુવક અને યુવતીને સમજાવવામાં સફળતા મળતા પરિવારે આભાર માન્યો હતો
Reporter: News Plus