શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીજન્ય રોગ કોલેરાને લઈને દર્દીઓ સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી છે ત્યારે પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં આરોગ્ય વિભાગ સહિત પાણી સમિતિના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી શહેરમાં દૂષિત પાણીની સમસ્યાને કારણે પાણીજન્ય રોગ કોલેરાએ માથું ઉચક્યું છે. ગઈકાલે પાલિકામાં કોલેરાના દર્દીને લઈને તાંદલજા વિસ્તારના લોકોએ રજૂઆત કરવા પહોંચ્યા હતા તો બીજી તરફ પાલિકાના વિપક્ષના નેતા અમી રાવતે પાલિકાના મેયર ને પત્ર લખી કોલેરાના સાચા આંકડા છુપાવવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ તમામ બાબતો વચ્ચે કોલેરાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે
એમ લાગી રહ્યું છે એ કારણને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને પાણી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જો શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાશે તો તેને કાબુમાં કરવા માટે આરોગ્ય વિભાગને ખૂબ જ મહેનત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બાબતને ધ્યાને રાખીને પાલિકા કોલેરા ના વિષયમાં ગંભીર થઈ છે અને આ રોગચાળાને ઉગતો ડામવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
Reporter: News Plus