પાલિકા એસટીપીના પાણીનો ટેસ્ટ બહારની લેબમાં કરાવે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે...
ભાજપનાં જ કાઉન્સિલર આવી સાચી હકીકત અધિકારીઓને કે હાલના હોદ્દેદારોને જાહેરમાં જણાવે તો સ્વીકારવાને બદલે ખોટો ઠેરવવા એડીચોટીનું જોર લગાવશે. હવે શહેરમાં ક્યાંય પણ ગંદા પાણીની બુમ પડે ત્યારે એ એરીયાના હોદ્દેદારો- એન્જિનિયરો-સુપરવિઝન કરનાર ડેપ્યુટી કમિશનરને ઉભા રાખી એમને લોટો ભરીને પાણી પીવડાવવું, એ સારામાં સારી ટેસ્ટની પધ્ધતિ છે.અગાઉ લોક ટોળા લોક સેવકને ઘેરીને આ પદ્ધતિથી એમની સામે જ પાણી પીવડાવતા....

વિશ્વામિત્રી નદીમાં અટલાદરા STP પ્લાન્ટમાંથી અનટ્રીટેડ પાણી છોડી ભયંકર રીતે પ્રદૂષણ ફેલાવાઇ રહ્યું હોવાના ભાજપના કોર્પોરેટરે કરેલો આક્ષેપ ખોટો હોવાનું STP વિભાગ દ્વારા જણાવાયું હતું. વિભાગ દ્વારા નદીના પાણીના સેમ્પલોનો ટેસ્ટ કરાવવામાં આવતા પાણી દૂષિત ન હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો હોવાનું જણાવ્યું હતું પણ મહત્વની વાત એ છે કે પાલિકાએ આ ટેસ્ટ પોતાની લેબોરેટરીમાં કરાવ્યો છે અને તે રિપોર્ટ સાચો જ હોય તે માની શકાય નહીં. પાલિકાએ ખરેખર તો બહારની લેબમાં આ ટેસ્ટ કરાવીને પ્રજાની સમક્ષ મુકવો જોઇએ કારણ કે લેબોરેટરી પણ પાલિકાની અને તેના કર્મચારીઓ પણ પાલિકાના હોય તો પછી રિપોર્ટ પણ પાલિકાના અધિકારીઓ ઇચ્છે તે રીતે જ બને તે જગજાહેર છે. જેથી પાલિકાએ લોકોને ઉલ્લુ બનાવવાના બદલે કે ગેરમાર્ગે દોરવાના બદલે બહારની લેબમાં પાણીનો ટેસ્ટ કરાવવો જરુરી છે.
તાજેતરમાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, અટલાદરા સુએઝ પપિંગ સ્ટેશનમાંથી અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમણે કોર્પોરેશનના વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર પણ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, અટલાદરા સુએઝ પપિંગ સ્ટેશનમાંથી રોજનું 50થી 60 એમએલડી ફીણવાળું દુષિત અને અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપા કાઉન્સિલરના આક્ષેપ બાદ તુરત જ સુએઝ વિભાગના કાર્યપાલક ઇજનેર કૌશિક પરમારે અટલાદરા STPમાંથી છોડાતા અને નદીમાં વહેતા અલગ-અલગ પાણીના સેમ્પલ લઇ પાલિકાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. જેના પ્રાથમિક રિપોર્ટમાં STPમાંથી છોડવામાં આવતું પાણી નિયમ મુજબ ટ્રીટમેન્ટ કરીને જ છોડવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.
હું તમામ એસટીપી પ્લાન્ટનાં પાણીનો ટેસ્ટ કરાવીશ
પાલિકાના રિપોર્ટ જે આવે તે પણ સત્યતા ચકાસવા હું તમામ એસટીપીના પાણીનો ટેસ્ટ બહારની લેબમાં કરાવીશ
આશિષ જોશી, કોર્પોરેટર
Reporter: admin