બેંગલુરું: આઈટી સિટી બેંગલુરુમાં એક મોટું સંકટ ઉભું થયું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે ભારતીય બજારમાં દેખાવા લાગી છે.
બેંગલુરુમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા 'બેંગલુરુ હોટલ્સ એસોસિએશને' મંગળવાર, 10 માર્ચથી સમગ્ર શહેરમાં હોટલો બંધ રાખવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને કારણે શહેરની ફૂડ ઇન્ડસ્ટ્રી અને રોજબરોજ હોટલમાં જમતા લાખો મુસાફરો અને ઓફિસ કર્મચારીઓને મોટો ફટકો પડશે.હોટલ એસોસિએશને જારી કરેલા નિવેદન મુજબ, તેલ કંપનીઓએ અગાઉ ઓછામાં ઓછા 70 દિવસ સુધી ગેસનો અવિરત પુરવઠો આપવાની ખાતરી આપી હતી. જોકે, અચાનક સપ્લાય બંધ થઈ જતાં હજારો હોટલો અને રેસ્ટોરન્ટ્સ પાસે કામગીરી બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. ગ્રાહકોને ભોજન પૂરું પાડવામાં અસમર્થ હોટલ માલિકોએ હવે સરકાર અને તેલ કંપનીઓ પાસે તાત્કાલિક ગેસ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.
ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે ગલ્ફ પ્રદેશમાં તેલ અને ગેસના પુરવઠાને અસર થઈ છે. ખાસ કરીને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માર્ગ પ્રભાવિત થતા એલપીજીની વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી આયાત કરે છે, જેને કારણે અત્યારે ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે કોમર્શિયલ સપ્લાયમાં કાપ મૂકવામાં આવ્યો હોવાનું જણાય છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો આગામી દિવસોમાં અન્ય શહેરોમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
Reporter: admin







