રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના એક દિવસીય વડોદરા પ્રવાસ દરમિયાન આજે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની મુલાકાત લીધી હતી.

આરોગ્ય મંત્રીએ અહીં થતી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન સહ જરૂરી સૂચનો આપ્યા હતા. નિરીક્ષણ દરમિયાન એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે તમામ ઉપકરણ અને પ્રક્રિયા માપદંડો અનુસાર સંચાલિત થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે લોકોને સુરક્ષિત અને ગુણવત્તાપૂર્ણ ખાદ્ય અને ઔષધિઓ ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાત સરકાર સંકલ્પિત હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે તહેવારોના સમયે ખાદ્ય પદાર્થોની ચકાસણીની કામગીરી આ લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે. ત્યારે, આ ચકાસણીની કામગીરી માત્ર તહેવારોમાં નહીં, પરંતુ સમયાંતરે સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે, જેથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં ના મૂકાય તેનું ધ્યાન રાખવાની ગંભીર તાકીદ કરી હતી.

આ કામને નિયત સમયમાં પાર પાડવા માટે લેબોરેટરી શિફ્ટમાં વધારો કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું.પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં પર્યાપ્ત માનવ બળ, આધુનિક ટેક્નોલોજી અને સંસાધનો સાથે કાર્યક્ષમતામાં મહત્તમ વધારો કરવો જોઈએ. તદુપરાંત નાની મોટી ખૂટતી કડીઓ પૂરી કરીને પ્રયોગશાળાની કાર્યદક્ષતામાં વધારો કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીએ કોલેજના વિદ્યાર્થીઓને ફેલોશીપ યોજના અંતર્ગત ઇન્ટર્નશિપ માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે જણાવ્યું હતું. રાજ્યમાંથી આવેલા દવાઓ સહિતના નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ થાય અને ખૂબ જ ગણતરીના સમયમાં ટેસ્ટિંગનું પરિણામ આવે તે માટે તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી.અત્રે નોંધનીય છે કે, મે-૨૦૨૩માં આરોગ્ય મંત્રીઋષિકેશ પટેલે રૂ. ૪૮ કરોડના ખર્ચે નિર્મિત આ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડોદરાને અત્યાધુનિક આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ લેબમાં ફૂડ એન્ડ ડ્રગની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે.આ બેઠકમાં સાંસદ ડો. હેમાંગ જોષી, સંયુક્ત કમિશ્નર (ચકાસણી) એચ.એલ. રાવત, કમિશ્નર (ચકાસણી) એચ.જી.કોસિયાર, ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીના વૈજ્ઞાનિક અધિકારીઓ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Reporter: admin