પંચકુલા પોલીસે સોમવારે મોડી રાત્રે સેક્ટર-2 માર્કેટમાં આવેલી એક ઓફિસ પર દરોડો પાડી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ચલાવતા નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી મંગળવારે વહેલી સવાર સુધી ચાલી હતી.પોલીસે ઘટનાસ્થળેથી કુલ 21 લોકોની અટકાયત કરી છે, જેમાંથી ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નવદીપ, અક્ષય ટિક્કુ, રઝા અને અંકુર કપૂરનો સમાવેશ થાય છે.દરોડા દરમિયાન પોલીસે સ્થળેથી 19 કમ્પ્યુટર, 3 લેપટોપ, 11.30 લાખ રૂપિયા રોકડા, 3 વોકી-ટોકી, 16 મોબાઇલ હેન્ડસેટ, 2 વાઇ-ફાઇ રાઉટર, એક નોટ ગણવાની મશીન, 3 POS મશીનો અને સોનાના દાગીના જપ્ત કર્યા છે.
પોલીસ તપાસ મુજબ આ ગેંગ અમેરિકાના નાગરિકોને નિશાન બનાવતી હતી. આરોપીઓ પોતાને એમેઝોન કંપનીના કસ્ટમર કેર અધિકારી તરીકે ઓળખાવીને ક્રેડિટ કાર્ડ સહિતની સંવેદનશીલ માહિતી મેળવી લેતા અને ત્યારબાદ ઠગાઈ આચરતા હતા.આ કોલ સેન્ટરમાં અંદાજે 20થી વધુ યુવક-યુવતીઓને નોકરી પર રાખવામાં આવ્યા હતા, જેમને 20થી 25 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો. તેમને 7 થી 10 દિવસ સુધી ખાસ ટ્રેનિંગ આપવામાં આવતી હતી જેથી તેઓ વિદેશી નાગરિકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરી શકે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કમાં કેટલાક વકીલ અને રોડ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા સભ્યો પણ સંડોવાયેલા હતા, જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને ઢાંકી રાખતા હતા.પંચકુલા પોલીસ કમિશનર પંકજ નૈને જણાવ્યું કે આરોપીઓને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ કરવામાં આવશે અને આ સાયબર ફ્રોડ રેકેટ અંગે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.
Reporter: admin







