નવસારી: દેશભરમાં ચોમાસાનો વરસાદ યથાવત છે. દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં માત્ર 16 કલાકમાં 43 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
નવસારીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદ અને સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. વાવ-થરાદ જિલ્લામાં પણ બજારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા શુક્રવારે ગુજરાતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 10 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ગંગા, યમુના સહિત 10 નદીઓમાં જળસ્તર વધી ગયું છે. સીતાપુરમાં રસ્તાઓ પર પાણી ભરાતા ગ્રામજનોને અવરજવર માટે નૌકાનો સહારો લેવો પડી રહ્યો છે.
બિહારના પટણા, ભોજપુર, બક્સર, ગોપાલગંજ, સારણ, વૈશાલી અને સિવાન સહિત 19 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુર સહિત 11 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Reporter: admin







