ડભોઈ તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ગોજાલી ગામેથી પસાર થતી નદી પર આવેલું કાચું નાળું સ્થાનિક ખેડૂતો અને શ્રદ્ધાળુઓ માટે મોટી મુશ્કેલીનું કારણ બન્યું છે. વર્ષોથી તંત્ર દ્વારા અહીં પાકા નાળા કે પુલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનોએ સ્વખર્ચે અને શ્રમદાનથી કાચું નાળું તૈયાર કર્યું હતું. પરંતુ ચોમાસાની ઋતુમાં નદીમાં પાણીનું સ્તર વધતાં આ નાળું ગમે ત્યારે ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ ગ્રામજનો અને ખેડૂતો સિમેન્ટની કોથળીઓમાં માટી અને કાંકરી ભરીને કામચલાઉ સમારકામ કરી રસ્તો ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. વરસાદ દરમિયાન જીવના જોખમે આ નાળા પરથી અવરજવર કરવી પડી રહી છે.
ગોજાલી ગામ ખાતે વર્ષો જૂનું અને આસ્થાનું કેન્દ્ર ગણાતું પ્રાચીન શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં વડોદરા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. મંદિર સુધી પહોંચવા માટે આ કાચું નાળું જ એકમાત્ર માર્ગ છે. ઉપરાંત નદીની સામેના કિનારે ગામના ખેડૂતોની આશરે 500 વીઘા જેટલી ફળદ્રુપ જમીન આવેલી છે. ખેતી માટે ખાતર, બિયારણ, કૃષિ સાધનો તેમજ પાકની અવરજવર માટે પણ આ જ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો ભારે વરસાદમાં આ કાચું નાળું ધોવાઈ જશે તો ખેતરો સુધી પહોંચવું અશક્ય બની જશે અને પાકને ભારે નુકસાન થઈ શકે છે. સાથે જ સંગમેશ્વર મહાદેવ મંદિરે આવતા શ્રદ્ધાળુઓનો સંપર્ક પણ તૂટી જશે. ગ્રામજનો અને ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ગ્રામ્ય વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ ગોજાલી ગામ આજે પણ પાયાની સુવિધાથી વંચિત છે. ગ્રામજનોએ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ અહીં પાકું અને મજબૂત નાળું અથવા પુલ બનાવવાની માંગ કરી છે, જેથી ચોમાસા દરમિયાન અકસ્માતની શક્યતા ટાળી શકાય અને ખેડૂતો તેમજ શ્રદ્ધાળુઓને કાયમી રાહત મળી શકે.
Reporter: admin







