વડોદરા : વહેલી સવારથી પવન ન હોવા છતાં પતંગ રસિકો ધાબા પર ચઢી ખાણી-પીણીની રંગત જમાવી હતી.
જો કે બપોર બાદ પવનની ગતિ થોડી વધતાં ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો, આ પછી સાંજ થતાં જ વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેથી ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો, શહેરનું આકાશ રંગબેરંગી આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું.લોકોએ સ્કાય શૉટ સહિતના મલ્ટિપલ ફટાકડા ફોડ્યા હતા. કોઈએ કોઠીઓ સળગાવી તો કોઈએ ગરબા અને ડાન્સ કરી ઉમળકાભેર ઉત્તરાયણના પર્વને અલવિદા કહ્યું હતું, જો કે ઉત્તરાયણના બીજા દિવસે પણ વાસી ઉત્તરાયણની પ્રથા જોવા મળે છે ત્યારે પવન અનુકૂળ રહે તેવી પતંગ રસિકો આશા સેવી રહ્યા છે.
આકાશમાં પેચ લડાવવા આતુર શહેરીજનોને આજે ઉત્તરાયણના દિવસે પવનની ગતિનો સાથ મળ્યો ન હતો તેમ છતાં પણ ઉત્સાહમાં કોઈ ઉણપ ન હતી. એકતા ગજેરાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, 'સવારથી અગાશી પર આવ્યા હોવા છતાં પવન ન હોવાને કારણે તેઓ નિરસતાનો અનુભવ થયો અને આ વખતની ઉત્તરાયણ અગાઉ જેવી લાગતી નથી. પતંગો ઉડતી ન હોવાથી મિત્રો સાથે મળીને મસાલેદાર ઊંધિયું, જલેબી અને ફ્રુટ સલાડ જેવી વાનગીઓની જયાફત ઉડાવીને મોજ-મસ્તી કરી હતી.
Reporter: admin







