ઈન્દોર: અમદાવાદ નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મૃત્યુ થયા છે. બુધવારે મોડી રાત્રે બે વાહનો વચ્ચે ટક્કર થતા આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ મળ્યા છે.
અકસ્માત અંગે મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ઘાટબિલ્લાદ પાસે એક જીપ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. અધિક પોલીસ અધિક્ષક રૂપેશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે.
મળતી માહિતી મુજબ ઈન્દોર અમદાવાદ રોડ પર આ કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં MP 43 BD 1005 નંબરની કાર રોડ પર ઉભેલા ડમ્પરમાં અથડાઈ હતી. ઘટના સ્થળે રેતી પથરાયેલી હોવાથી ડમ્પરમાં રેતી ભરેલી હોવાની આશંકા છે. આ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વૃદ્ધ ઘાયલ છે જેનું નામ ભોગોં પિતા દલસિંગ હોવાનું બહાર આવ્યું છે. માહિતી મળી છે કે આ લોકો બાગ ટાંડાથી ગુના જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો .
અધિક પોલીસ અધિક્ષક (ASP) રૂપેશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું કે અકસ્માત બાદ અજાણ્યા વાહનનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આઠ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
Reporter: News Plus