News Portal...

Breaking News :

વડોદરામાં ડૉ. આંબેડકર સ્મૃતિવંદના પરિસંવાદ સંપન્ન : વક્તાઓના માનનીય વક્તવ્યો

2024-12-07 10:43:04
વડોદરામાં ડૉ. આંબેડકર સ્મૃતિવંદના પરિસંવાદ સંપન્ન : વક્તાઓના માનનીય વક્તવ્યો


ડૉ.આંબેડકર ભવન- અલકાપુરી વડોદરા ખાતે ૬ઠ્ઠી ડિસેમ્બર - ડો.આંબેડકર પરિનિર્વાણ દિને  બાબાસાહેબને સ્મૃતિવંદના રૂપ પરિસંવાદ યોજાઈ ગયો.  


પ્રવીણ ગઢવી (નિવૃત્ત IAS) -  પ્રમુખ 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ 'પરિનિબ્બાન પરિસંવાદ'નું  વડોદરાના પૂર્વ મેયર જીવરાજભાઈ ચૌહાણે, સૌ અતિથિઓ અને આયોજકોના ભીમનાદ વચ્ચે દીપ પ્રગટાવી તથા ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાર્પણ કરી ઉદગાટન કર્યું હતું.આ સેમિનારમાં 'ડૉ.આંબેડકર વિચાર' હેઠળના ચર્ચાસત્રમાં 'ડૉ. આંબેડકર અને જાતિ નિર્મૂલન' વિષય પર યુવા દલિત લેખક મયુર વાઢેરે, 'ડૉ. આંબેડકર અને આજના રાજકીય પક્ષો' વિષય પર  લેખક-પત્રકાર નટુભાઈ પરમારે, 'વધતા જતા દલિત અત્યાચારો-કારણ અને નિવારણ' વિષય પર સ.પ.યુનિ.ના ડૉ.બલદેવ આગજાએ અને 'ડો.આંબેડકર અને દલિત કવિતા' પર સેન્ટ્રલ યુનિ.(ગુજરાત)ના ડો.રાજેશ મકવાણાએ અભ્યાસપૂર્ણ વિગતો રજૂ કરી હતી. 


ઉદગાટન પ્રવચનમાં જવરાજભાઈ ચૌહાણે ડૉ.આંબેડકરના આદર્શોને પગલે ચાલતા ડો.આંબેડકર ભવનની પ્રવૃત્તિઓનો આલેખ રજૂ કર્યો હતો, જ્યારે સ્વાગત પ્રવચનમાં મણિભાઈ પરમારે બાબાસાહેબના પરિનિર્વાણ દિને એમને શબ્દાજંલિ આપવાને આવેલા વિદ્વાન વક્તાઓ અને અતિથિઓને સંસ્થા વતી આવકારીને પરિસંવાદની ભૂમિકા પુરી પાડી હતી.અધ્યક્ષીય ઉદબોધનમાં પ્રવીણ ગઢવીએ દેશના તમામ શોષિત-દલિત-વંચિત વર્ગ માટેના ડો.આંબેડકરના બહુમૂલ્ય પ્રદાનને યાદ કરીને વિશેષ કરીને મહિલાઓ અને શ્રમિકોના ઉત્થાન માટે તેમણે લીધેલ દુરંદેશ પગલાંઓ વિશે મનનીય વક્તવ્ય આપ્યું હતું.જાતિનિર્મૂલન પરના બાબાસાહેબના વિચારો પર અભ્યાસપૂર્ણ હકીકતો રજૂ કરનાર મયુર વાઢેરે કહ્યું કે માનવમાનવ વચ્ચેના ભેદોને નામશેષ કર્યા વિના કોઈ પણ  દેશનો સાચો વિકાસ થઈ શકે નહીં.'ડો. આંબેડકર અને દલિત કવિતા' વિષય પર ડો.રાજેશ મકવાણાએ દલિત કવિતાના આરંભથી આજપર્યંતની કવિતાસફરનું વિહંગાવલોકન રજૂ કર્યું હતું. જ્યારે ડો.બલદેવ આગજાએ વધતા જતા દલિત અત્યાચારોને ડામવા માટે કાયદાતંત્રની સંવેદન સક્રિયતાની આવશ્યકતા નિહાળી હતી. નટુભાઈ પરમારે જુદાજુદા રાજકીય પક્ષોના આંબેડકરપ્રેમ વિશે રસપ્રદ અવલોકન રજૂ કર્યા હતા.સેમિનારનું સંચાલન સામાજિક ન્યાય-અધિકારિતા વિભાગના પૂર્વ નાયબ નિયામક પ્રવીણ શ્રીમાળીએ કર્યું હતું.આ પરિસંવાદને સફળ બનાવવા ડો.બી.આર.આંબેડકર ભવન-વડોદરાના પ્રમુખ મણિભાઈ પરમાર, મેને.ટ્રસ્ટી પી. એમ. ચાવડા,અજય ડાભી, મુકેશ હેલૈયા, એચ.વી.સોલંકી સૌએ ભારે જહેમત ઉઠાવી હતી. પરિસંવાદમાં વડોદરાના મ્યુ.કાઉન્સિલર્સ મીનાબેન મકવાણા - રશ્મિબેન વાઘેલા, પારૂલ યુનિ.ના ડો.જી. કે. વણકર, સાહિલ પરમાર, રમણ વાઘેલા, વસંત જાદવ, ગિરીશ સેંગાલ, અશોક વાણિયા સહિત સમાજ આગેવાનો અને શ્રોતાજનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post