પીએમનાં વીસ મિનીટનાં રોડ શોમાં મિસ મેનેજમેન્ટ માટે જવાબદાર અને ફરજ ઉપર ગંભીરતાના દાખવનારા જિલ્લા આયોજન અધિકારીને કલેક્ટરની શો કોઝ નોટિસ..

વડોદરામાં યોજાયેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમ કરતાં ગુજરાતના અન્ય શહેરોમાં યોજાયેલા કાર્યક્રમો વધુ ભવ્ય રહ્યા હતા. ગુજરાતની અસ્મિતાએ સૌથી પહેલું કારણ જણાવ્યું હતું કે તંત્ર અને સંગઠનનું મિસ મેનેજમેન્ટ હતું. ભાજપમાં પણ અંદરો અંદર સંકલન ન હતું. વડાપ્રધાનના કાર્યક્રમ માટે તેમના આગમન પુર્વેની તૈયારીઓ, વ્યવસ્થા અને દેખરેખ તથા સંકલનની તમામ જવાબદારી શહેરના જિલ્લા આયોજન અધિકારી એમ.આર.રાઓલને સોંપવામાં આવી હતી. પણ એમ.આર.રાઓલ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની પરવાનગી લીધા વગર જ રજા પર ઉતરી ગયા હતા અને સોમનાથ પહોંચી ગયા હતા.આ ઘટનાની કલેક્ટરે ગંભીર નોંધ લીધી છે અને એમ.આર.રાઓલે ફરજમાં ગંભીર બેદરકારી દાખવતા તેમને શો કોઝ નોટિસ ફટકારાઇ છે. કલેક્ટર સુત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પુર્વ તૈયારીઓમાં જિલ્લા કલેક્ટર કચેરીનું આખું તંત્ર કામે લાગ્યું હતું અને જુદા જુદા વિભાગોને જુદી જુદી કામગીરી સોંપાઇ હતી. તે મુજબ જિલ્લા આયોજન અધિકારી એમ.આર.રાઓલને પણ જવાબદારી સોંપાઇ હતી. તેમને જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઇના સુપરવિઝન હેઠળ કામગીરી કરવાની હતી. તે માટે 23 તારીખે ખાસ બેઠક બોલાવાઇ હતી પણ તેમાં પણ એમ.આર.રાઓલ હાજર રહ્યા ન હતા.રાઓલને કાર્યક્રમની તૈયારીઓ બાબતે ગંભીરતા દાખવવા જણાવાયું હતું પણ રાઓલે પોતે સોમાનાથ હોવાનું જણાવીને હાથ ખંખેરી કાઢ્યા હતા. પોતે કલેક્ટરની મંજૂરી વગર રજા પર ઉતરી ગયા હતા. નવાઇની વાત એ છે કે રાઓલ પોતે તો કાર્યક્રમમાં હાજર ના રહ્યા પણ તેમની નીચેના કોઇ અધિકારીઓને પણ મોકલ્યા ન હતા. રાઓલે તેમની ફરજમાં ગંભીર બેદરકારી દાખવતા કલેક્ટરે તેમને શો કોઝ નોટિસ ફટકારી હતી.
અધિકારીને નોટિસ અપાઇ છે...
ફરજમાં ગંભીર બેદરકારી દાખવનારા જિલ્લા આયોજન અધિકારી રાઓલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.
અનિલ ધામેલિયા, કલેક્ટર
મ્યુનિ.કમિશનર અને શહેર ભાજપ પ્રમુખે પણ આવા બેજવાબદારોને શોધી કાઢવા જોઇએ...
વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની જવાબદારી વહિવટી તંત્રની હતી અને ત્યારે ફરજમાં બેદરકારી દાખવવી તે કેટલે અંશે યોગ્ય છે તે વાત કદાચ આ અધિકારીઓ સમજી શકે તેમ નથી અથવા તેમણે સમજવાનો પ્રયાસ જ કર્યો નથી. એટલે જ કાર્યક્રમમાં મિસ મેનેજમેન્ટ જોવા મળ્યું હતું. તંત્ર વચ્ચે કોઇ સંકલન જ ના હોય તો તે કાર્યક્રમ સફળ જતો જ નથી. કલેક્ટરે આ મામલે કાર્યવાહી કરી છે પણ મ્યુનિ.કમિશનરે પણ ગંભીરતા દાખવીને કોર્પોરેશનના નિષ્ક્રીય રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. આ ઉપરાંત શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ પણ પક્ષના હોદ્દેદારો સહિત જે પણ કાર્યકરોએ નિષ્ક્રીયતા દાખવી છે તેની સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવી જોઇએ.
Reporter: admin