ગ્રામીણ વિસ્તારોમાં મિલકતોના માલિકી હક્ક આપવા માટે ભારત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના અમલી છે.

જે અંતર્ગત રોજ મુખ્યદંડક બાળકૃષ્ણ શુકલના અધ્યક્ષ સ્થાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હૉલ, ડભોઇ ખાતે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ માટે પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાના પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભાના મુખ્યદંડક બાળકૃષ્ણ શુકલે જણાવ્યું કે દેશને આઝાદ થવા સાથે જ ગાંધીજીના ભારતમાં સ્વરાજ્ય સ્થાપવાના સંકલ્પને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખરા અર્થમાં પરિપૂર્ણ કરી રહ્યા છે. વધુમાં ઉમેરતાં મુખ્યદંડક એ જણાવ્યું કે ગરીબોને વંચિતોને સમર્પિત આ યોજના થકી જમીનના ચોક્કસ સીમાંકન આધારિત પ્રોપર્ટી કાર્ડ થકી ગામડાઓના લોકોના અસ્તિત્વને સ્થાયિત્વ પ્રદાન કરી રહ્યું છે. આ સાથે આ કાર્ડ મિલકતોની ચોક્કસ માપણી જ નહિ પરંતુ નાગરિકોનો વિશ્વાસ જીતવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જણાવ્યું કે આ યોજના થકી મિલકતની બધી સિમાઓનું ચોક્કસ માપન થતાં જમીન ધારકોને નિર્વિવાદ અને સ્પષ્ટ માલિકી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને દેશના લગભગ ૫૦ હાજર ગામોમાં ૬૫ લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને યોજનાના કાર્ડ ધારકો સાથેના સંવાદ કાર્યક્રમના જીવંત પ્રસારણને ઉપસ્થિત સર્વે નિહાળ્યું હતું.વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વ્યસનમુક્ત ભારત બનાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા તથા મહાનુભાવો દ્વારા કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, કારોબારી સમિતિના ચેરમેન નીલેશભાઈ પુરાણી, જિલ્લા કલેકટર બી. એ.શાહ, ડેપ્યુ. કલેકટર, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ , તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ડભોઇ નગરપાલિકા પ્રમુખ, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારી અને કર્મચારીગણ, પદાધિકારીઓ, પ્રોપર્ટી કાર્ડના લાભાર્થી અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.


Reporter: admin