કોઈ મોટી હોનારત થાય તો ફાયર સિસ્ટમ ચાલુ જ ન થઇ શકે અગાઉ 3 નોટિસ આપવા છતાં હજુ સુધી સિસ્ટર્સમ ન સુધારી રોજના હજારો દર્દીઓ જ્યાં સારવાર હેતુ આવે છે એવી વડોદરાની એસએસજી હોસ્પિટલના સંચાલકોની લાલીયાવાડી સામે આવી રહી છે.
હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ ચાલુ કરવા માટેનો ડીઝલ પંપ જ બંધ હાલતમાં છે. જો કોઈ મોટી હોનારત થાય તો આ પંપ ચાલુ જ ન થાય અને આખરે ફાયર વિભાગ ન પહોંચે ત્યાં સુધી ઇમર્જન્સીમાં કઈ મદદ ન થઇ શકે.આપણે ત્યાં કહેવત છે કે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા જાય.વડોદરા એસએસજી હોસ્પિટલનું પણ આવું જ છે.વડોદરા એસએસજી હોસ્પિટલ માં ફાયર સેફટી માટેની આખી લાઈન તો નાખવામાં આવી છે પરંતુ તેને શરુ કરવા માટે જે ડીઝલ પંપ છે તે કેટલાય સમયથી બંધ હાલતમાં છે.અગાઉ ફાયર વિભાગ દ્વારા જયારે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી. હાલ સુધીમાં આ અંગેની 2 થી 3 નોટિસ આપવામાં આવી છે છતાં હોસ્પિટલના સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને હાલમાં આ સિસ્ટમ મેઇન્ટેનન્સમાં હોવાનું ગાણું ગાવામાં આવે છે.
સોમવારે ફાયર વિભાગ દ્વારા શહેરની તમામ મોટી હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધાર્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલનો ડીઝલ પંપ ચાલુ જ નથી. જેથી જો કોઈ મોટી હોનારત થાય તો આ સિસ્ટમમાંથી જે પાણીનો મારો ચલાવવો હોય તે જ શરુ ન થઇ શકે અને ફાયર વિભાગની ટીમ ન આવે ત્યાં સુધી રાહ જોવી પડે. સરકારી હોસ્પિટલના સંચાલકો જ જો બેજવાબદાર બની જાય તો પછી અન્ય લોકો પાસે શું અપેક્ષા રાખી શકાય? અવારનવાર ટોકવા છતાં પણ હોસ્પિટનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.રાજકોટની ઘટનાની સાથે સાથે દિલ્હીમાં પણ એક હોસ્પિટલમાં આગ લાગી હતી જેના કારણે અનેક બાળકોના મોત થયા હતા ત્યારે શું એસએસજી હોસ્પિટલના સંચાલકો પણ આવી મોટી ઘટનાની રાહ જોઈ રહ્યા છે
Reporter: News Plus