આજીવન માત્ર બે ટાઈમ રોટલા મેળવવા માટે કરવામાં આવતા સંઘર્ષ બાદ માનવી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેને મોક્ષ મળ્યાની અનુભૂતિ થાય છે,પરંતુ મૃત્યુ બાદ પણ માનવીના મોક્ષે ગયેલ જીવને શાંતિ ના મળે તો એ કુદરતની કેવી બલિહારી કહેવાય.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ખાસવાડી સ્મશાન ગૃહમાં તંત્રની બેદરકારીને કારણે સ્મશાને આવતાં ડાધુઓ ભારે હાલકી વેઠવાની નોબત આવી છે. ખાસવાડી સ્મશાન ગૃહના પાછળના ભાગે જ્યાં માળી સમાજનું સ્મશાન આવેલું છે ત્યાં બિંસ્માર રસ્તાને કારણે ડાધુઓને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. આ જ જગ્યાએ મહારાષ્ટ્રીયન સમાજના લોકો તેમના મૃત સ્વજનો માટે દશપિંડ વિધિ સહિતની અન્ય વિધિ કરતાં હોય છે. મૃત સ્વજનની આ વિધિ માટે આવતાં મરાઠી સમુદાયના નાગરિકોને સાથે માળી સમાજના લોકો જે અગ્નિસંસ્કાર કરવા માટે અહીં આવતાં હોય છે તેઓને આ તકલીફમાંથી પસાર થવું પડે છે. હાલમાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે માળી સમાજના સ્મશાન ખાતે કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે. મહાનગર પાલિકા દ્વારા અગાઉ બનાવમાં આવેલ રસ્તાની હાલત ભારે કફોડી થઈ છે.
કાદવ કિચડને કારણે ડાધુઓને મૃતદેહને સ્મશાનની ચેહ સુધી લઈ જવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે.જીવનના અંતિમ પડાવ જેને આપણે સ્મશાન ગૃહ અથવા તો મોક્ષ મંદિર કહીએ છીએ તેની જાળવણી કરવામાં પણ પાલિકા વિભાગના અધિકારીઓ વામણા સાબિત થયા છે. પોતાના સ્વજનના મૃતદેહને લઈને અંતિમ સંસ્કાર માટે આવતાં અનેક નાગરિકોને પ્રાથમિક સગવડ આપવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. નશ્વર દેહના અંતિમ સંસ્કાર માટે બનાવેલ સ્મશાન ગૃહની આવી હલકી કક્ષાની કામગીરી કરનારા પાલિકાના અધિકારીઓની માનવતા મરી પરવારી હોય એમ લાગે છે. કદાચ પ્રજાને સુવિધા આપવાની તેમની ફરજ પણ નશ્વર થઈ ગઈ હોય એમ લાગે છે. પાલિકા તંત્ર દ્વારા બહુચરાજી સ્મશાન ખાતે રીનોવેશન કામગીરી કરવામાં આવી રહી છે એ આવકારદાયક છે પરંતુ સાથે સાથે જે અગવડોને સમસ્યાઓ હાલ સર્જાઈ છે તેનું પણ નિરાકરણ આવે એ ઇચ્છનીય છે.
Reporter: News Plus